23 September, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય બારસકર
મરાઠા અનામત માટે ૨૦ દિવસ સુધી ઉપવાસ કરનારા મનોજ જરાંગેને ઝટકો લાગ્યો છે. તેમના સહકારીઓની ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી થવાની છે. મરાઠા અનામત આંદોલન સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ, તેમના સંબંધીઓ અને ધંધાકીય રીતે તેમની સાથે સંકળાયેલા લોકોની ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે એવી માહિતી બહાર આવી રહી છે.
મનોજ જરાંગેના ભૂતપૂર્વ સાથીદાર અજય બારસકર દ્વારા કરાયેલા આક્ષેપો બાદ ફાઇનૅન્શિયલ વ્યવહારો પર બધાનું ધ્યાન ગયું છે. અજય બારસકરે આક્ષેપ કર્યો છે કે મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેના સાથીદારોએ સરકારને બ્લૅકમેઇલ કરીને કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મેળવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે ઇન્કમ ટૅક્સ રિટર્ન, પ્રૉપર્ટી, મોટાં ટ્રાન્ઝૅક્શન્સ અને બિઝનેસ સર્કલના સંબંધોની તપાસ ચાલી રહી છે. આંદોલન સાથે સંકળાયેલા લોકો અથવા તેમના સંબંધીઓ સાથે સંકળાયેલી કંપનીઓને મળેલા સરકારી કૉન્ટ્રૅક્ટની તપાસ કરવામાં આવશે. એમાં કૉન્ટ્રૅક્ટની ઑક્શન પ્રોસેસ, આર્થિક ટ્રાન્ઝૅક્શન્સમાં થયેલો વધારો અને સંબંધિત આર્થિક વ્યવહારની સ્ક્રુટિની કરવામાં આવશે. છત્રપતિ સંભાજીનગરની એક કંપનીને સરકારી કામોનો ૭૬૪.૭ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો હોવાનો પણ આરોપ થયો છે એની પણ તપાસ કરવામાં આવશે.
મનોજ જરાંગેએ દાવા ફગાવ્યા
હાલ તબિયત કથળી હોવાથી મનોજ જરાંગે પાટીલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમણે એવા સમયે પત્રકાર-પરિષદ યોજીને ઉપરોક્ત આક્ષેપો ફગાવી કાઢ્યા હતા. મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘આંદોલન દરમ્યાન જે લોકોએ ગરીબોને મદદ કરી તેમની પાછળ તપાસ ચાલુ કરી દેવાઈ છે. અમે બધી જ તપાસ માટે તૈયાર છીએ. ગભરાઈને તમારી સાથે દોસ્તી કરીને અમે મરાઠા અનામત માગવાનું છોડી દઈએ એવી બે બાપની ઔલાદ નથી. પૈસાપાત્ર હોય તે ગરીબ મરાઠાઓની મદદ કરે કે નહીં? આજે તમારી પાસે સત્તા છે એટલે એકનાથ શિંદેના વિધાનસભ્ય (સંજય શિરસાટ) અમારા આંદોલનકારીઓની પાછળ તપાસ લગાડી રહ્યા છે. તમે મરાઠાઓને કારણે ચૂંટાઈ આવ્યા અને હવે તેમની જ તપાસ કરો છો, પણ ધ્યાનમાં રાખો કે તમારી સત્તા પણ ક્યારેક તો જવાની જ છે. અમે તેમની સાથે દોસ્તી ન કરી એથી જ અમને આ ત્રાસ અપાઈ રહ્યો છે; પણ ગભરાઓ નહીં, ૨૦૨૯ (લોકસભાની ચૂંટણી) હવે નજીકમાં જ છે.’