19 December, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉ-વર્કિંગ સ્પેસ, રિક્લાઇનર, ડિજિટલ લાઉન્જ
મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન પર ભારતની પહેલી કો-વર્કિંગ ફૅસિલિટી અને ડિજિટલ લાઉન્જ શરૂ થઈ છે. મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસના કૉન્કૉર્સ એરિયા નજીક આવેલી આ ફૅસિલિટી બુધવારે લૉન્ચ કરવામાં આવી હતી. આ ફૅસિલિટી પ્રીમિયમ ટ્રેનોમાં પ્રવાસ કરતા પૅસેન્જરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમને વેઇટિંગ એરિયાને બદલે વર્કપ્લેસ જેવી જગ્યાની જરૂર પડતી હોય છે અને ટ્રેન પકડતાં પહેલાં જેઓ ઑફિસ જેવી જગ્યામાં જરૂરી કામ કરવા માગતા હોય કે મીટિંગ અટેન્ડ કરવા માગતા હોય.
ગ્રાઉન્ડ-પ્લસ-વન બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવેલી આ ફૅસિલિટી ઍર-કન્ડિશન્ડ છે, જેમાં ૫૮ બેઠક છે. ૫૮માંથી ૬ રિક્લાઇનર પણ છે. આ ફૅસિલિટી સામાન્ય લોકો અને રેલવેના પ્રવાસીઓ બન્ને માટે ઓપન રહેશે.
એક રેલવે-ઑફિસરે માહિતી આપી હતી કે આ ફૅસિલિટી માટે ૧૭૦૦ સ્ક્વેરફીટની આ જગ્યા પાંચ વર્ષ માટે પ્રાઇવેટ કંપનીને ભાડે આપવામાં આવી છે, જેનાથી રેલવેને ૩.૨ કરોડ રૂપિયાની આવક થશે. દિલ્હી અને ચેન્નઈનાં સ્ટેશનો પર ડિજિટલ લાઉન્જ છે, પણ ત્યાં કો-વર્કિંગ ફૅસિલિટી નથી. આ લાઉન્જમાં ગાદીવાળી ખુરસીઓ, ડેસ્ક અને પર્સનલ ચાર્જિંગ પૉઇન્ટની સુવિધા પણ છે.
એવું પણ જાણવા મળ્યું હતું કે અંધેરી અને બોરીવલી જેવાં સ્ટેશનો પર પણ આવાં ડિજિટલ લાઉન્જનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કઈ ફૅસિલિટીની કેટલી કિંમત?
ફૅસિલિટી વાપરવા માટેની એન્ટ્રી-ફી ૨૦૦ રૂપિયા અને એ પછી દર કલાકના ૧૫૦ રૂપિયા.
રિક્લાઇનરની ફી બે કલાક માટે ૭૦૦ રૂપિયા.
અનલિમિટેડ ચા-કૉફી. જોકે ખાવાનું પૈસાથી મળશે.
જમવાની ફુલ ડિશ ૪૦૦ રૂપિયા અને હળવો નાસ્તો ૨૫૦ રૂપિયા.