12 May, 2025 08:46 AM IST | Sindhudurg | Gujarati Mid-day Correspondent
સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજનું નવું પૂતળું ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના સિંધુદુર્ગ માલવણ ખાતે આવેલા રાજકોટ કિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે અનાવરણના બે મહિનામાં જ આ પૂતળું તૂટી પડ્યું હતું. આથી એ જ જગ્યાએ મહારાષ્ટ્ર સરકારે નવું વધુ ઊંચું અને વધુ મજબૂત પૂતળું બનાવવાની જાહેરાત કરીને જાણીતા મૂર્તિકાર અનિલ સુતારને કામ સોંપવામાં આવ્યું હતું. પેડસ્ટ્રલ સાથે ૯૧ ફુટ ઊંચું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૈયાર થઈ ગયું હોવાથી ગઈ કાલે આ પૂતળાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પૂજા કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના કિલ્લામાં અગાઉ બનાવવામાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કર્યું હતું. આથી આજે અમે નવા પૂતળાનું અનાવરણ કરવાને બદલે માત્ર પૂજા કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજનું અત્યાર સુધીનું આ સૌથી મોટું પૂતળું છે. ગયા વર્ષે ભારે તોફાનને કારણે છત્રપતિનું પૂતળું તૂટી પડવાની કમનસીબ ઘટના બની હતી. ફરી આવી ઘટના ન બને એ માટે ગમે એવા તોફાનમાં પણ ટકી શકે એ રીતે આ પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે એટલે આ પૂતળાને ૧૦૦ વર્ષ સુધી કંઈ નહીં થાય.’
૨૧.૯૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા વિશે મૂર્તિકાર અનિલ સુતારે કહ્યું હતું કે ‘અગાઉનું પૂતળું શા માટે તૂટી પડ્યું હતું એનો અભ્યાસ કર્યો હતો. એમાં જણાઈ આવ્યું હતું કે એ પૂતળામાં માત્ર લોખંડ જ વાપરવામાં આવ્યું હતું એટલે એ ત્રણ-ચાર મહિનામાં તૂટી પડ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને નવા પૂતળામાં લોખંડની સાથે બ્રૉન્ઝ અને ઝિન્ક ધાતુ વાપરવામાં આવી છે. આથી પેડસ્ટ્રલ સાથે ૯૧ ફીટ ઊંચું પૂતળું સમુદ્ર નજીકના રાજકોટ કિલ્લામાં ઊભું કરવામાં આવ્યું હોવા છતાં જોરદાર પવન કે તોફાન સામે પણ ટકી શકશે.’