20 May, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કારની લે-વેચ કરતા પોર્ટલ કાર્સ 24 દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં લાદવામાં આવેલા ટ્રૅફિક ઉલ્લંઘનના દંડની રકમ ઘણા નાના દેશોના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતાં વધુ છે.
આ સર્વેક્ષણ મુજબ ૨૦૨૪માં આશરે ૮ કરોડ ટ્રૅફિક ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં જેમાં કુલ દંડ આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હતો. આનો અર્થ એ થયો કે રસ્તા પર દોડતા લગભગ દરેક બીજા વાહનને ઓછામાં ઓછો એક વાર દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે નોંધપાત્ર બાબત એ છે કે હજી પણ ૯૦૦૦ કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો નથી.
ભારતમાં રહેતા ૧૪૦ કરોડ લોકોમાંથી ફક્ત ૧૧ કરોડ લોકો પાસે વાહન છે. આ દર્શાવે છે કે વસ્તીના પ્રમાણમાં એક નાનો ભાગ મોટી સંખ્યામાં ઉલ્લંઘનો માટે જવાબદાર છે જે ટ્રૅફિક-શિસ્ત અને જવાબદારી વિશે ચિંતા ઊભી કરે છે.