13 September, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના મહારાષ્ટ્ર ચૅપ્ટરે ફરી એક વાર હડતાળ પર ઊતરવાની ચીમકી આપી છે. મૉડર્ન ફાર્મસીનો કોર્સ કરનાર હોમિયોપથી ડૉક્ટરના રજિસ્ટ્રેશનનું નોટિફિકેશન જો સરકાર પાછું ન ખેંચે તો ૧૮ સપ્ટેમ્બરે IMA મહારાષ્ટ્રમાં હડતાળ કરશે.
સર્ટિફિકેટ કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી (CCMP)નો દોઢ વર્ષનો કોર્સ કર્યો હોય એવા હોમિયોપથી ડૉક્ટરોને અમુક કેસમાં ઍલોપથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવા માટે છૂટ મળે એ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)માં રજિસ્ટ્રેશન કરવાનો નિર્દેશ આપ્યો હતો. પાંચમી સપ્ટેમ્બરે રાજ્ય સરકારે આ મુદ્દે નવું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યું હતું. આ GR પાછું ખેંચવા માટે IMAએ સરકારને અપીલ કરી છે. જો સરકાર GR પાછું ન ખેંચે તો ૧૮ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની તમામ હેલ્થકૅર સર્વિસિસ એક દિવસ માટે બંધ રહેશે એવી ચીમકી આપતો પત્ર IMA મહારાષ્ટ્રના અધ્યક્ષ ડૉ. સંતોષ કદમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખ્યો છે.