પૂરથી અસરગ્રસ્ત ગૌશાળાઓની વહારે આવ્યા જૈનો

14 October, 2025 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૈન આગેવાનોએ ‘જીવદયા મહોત્સવ’ ઊજવીને ૧.૩૮ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું

૧.૦૮ કરોડનો ચેક મહારાષ્ટ્ર ગૌસેવાના અધ્યક્ષ શેખર મુંદડા અને શિવસેનાનાં પ્રવક્તા શાઇના એનસીને આપી રહેલા સમસ્ત મહાજનના ગિરીશ શાહ અને પરેશ શાહ, પૂરને લીધે અસરગ્રસ્ત ૧૨૫થી વધુ ગૌશાળાઓમાં ઘાસ પહોંચાડવામાં આવી રહ્યું છે.

જૈનોના સમસ્ત મહાજનની આગેવાની હેઠળ રાજ્યમાં પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત થયેલી પાંજરાપોળોને ૧.૩૮ કરોડ રૂપિયાની મદદ પહોંચાડાઈ છે. ભારે વરસાદ અને પૂરને કારણે અનેક પાંજરાપોળોમાં ગાયોને ખવડાવાતું ઘાસ ધોવાઈને કોહવાઈ ગયું હતું, જ્યારે કેટલીક ગૌશાળાઓમાં શેડને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું એથી જૈનો આગળ આવ્યા હતા અને તેમણે ૧.૩૮ કરોડ રૂપિયાની મદદ ગૌશાળાઓને કરી હતી.

ચિંચપોકલીના જૈન દેરાસરમાં આ ‘જીવદયા મહોત્સવ’ના પ્રસંગે ઍનિમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ ગિરીશ શાહ અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાનાં પ્રવક્તા શાઇના એનસી હાજર રહ્યાં હતાં.

જૈનો દ્વારા કરાયેલા આ ‘જીવદયા મહોત્સવ’ વિશે માહિતી આપતાં આ પ્રોજેક્ટના કન્વીનર, સમસ્ત મહાજનના ટ્રસ્ટી અને રાજ્યના મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના સભ્ય પરેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂરની પરિસ્થિતિને કારણે પાંજરાપોળોને પણ નુકસાન થયું હતું એથી ગૌસેવા માટે મદદ કરવાનો નિર્ણય સમસ્ત મહાજન દ્વારા લેવામાં આવ્યો હતો. ૧૨૦ વર્ષ જૂની સંસ્થા શેઠ દામજી લક્ષ્મીચંદ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૬૩ લાખ રૂપિયા ડોનેટ કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૧ લાખ ​રૂપિયા થાણેના બિલ્ડર દીપક ભેદા અને ગિરીશ ભેદા તરફથી આપવામાં આવ્યા હતા. એ ઉપરાંત અન્ય લોકો પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. મદદ માટે ટહેલ નાખવામાં આવી એના પાંચ દિવસમાં કુલ ૧.૩૮ કરોડ  રૂપિયા ભેગા થઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ૧૦૬૮ ગૌશાળા છે. એમાંથી પૂરને લીધે અસરગ્રસ્ત ૧૨૫થી વધુ ગૌશાળાઓને ૫૦,૦૦૦ રૂપિયા ઘાસચારા માટે અને ૯ ગૌશાળાઓને શેડ માટે મદદ કરવામાં આવી હતી. અનુદાનની કુલ રકમમાંથી ૧.૦૮ કરોડ ઘાસચારા માટે અને ૩૦ લાખ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપવામાં આવ્યા હતા.’

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news maharashtra news maharashtra marathwada chinchpokli eknath shinde devendra fadnavis