ગળે ફાંસો ખાઈને યુવકનું મૃત્યુ, દોરડું તૂટી જવાથી ટીનેજર બચી ગઈ

31 May, 2026 09:13 AM IST  |  jalgaon | Gujarati Mid-day Correspondent

પરિવારજનો લગ્ન માટે રાજી નહીં થાય એવી ચિંતામાં પ્રેમી યુગલે સાથે મરવાનું વિચાર્યું હતું, પણ...

આત્મહત્યા કરનાર રવીન્દ્ર મોરે.

મહારાષ્ટ્રના જળગાવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક લૉજની રૂમમાં પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. એમાં પચીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું, પણ તેની ટીનેજર પ્રેમિકા દોરડું તૂટી જવાને કારણે બચી ગઈ હતી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પચીસ વર્ષના યુવકની ઓળખ રવીન્દ્ર મોરે તરીકે થઈ છે, જે જળગાવના પાચોરા શહેરમાં જ રેડીમેડ કપડાંની દુકાન ચલાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર રવીન્દ્ર અને ટીનેજરના પરિવારો આ સંબંધ સ્વીકારશે નહીં અને તેમનાં લગ્ન થવાં અશક્ય છે એવા ડરને કારણે બન્નેએ સાથે મરવાનો નિર્ણય કર્યો હતો. ૨૮ મેએ જળગાવ રોડ પર આવેલી એક લૉજમાં તેઓ મળ્યાં હતાં અને રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ આત્મહત્યાના પ્રયાસ દરમ્યાન રવીન્દ્રનું ગૂંગળામણને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે ફાંસો ખાધા બાદ ટીનેજરના ગળામાં બાંધેલું દોરડું અચાનક તૂટી ગયું હતું, જેને કારણે તે નીચે પડી ગઈ હતી અને તેનો જીવ બચી ગયો હતો. હોટેલના સ્ટાફને ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસને બોલાવી હતી. 

સિનિયર પોલીસ-અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવ્યા છે અને હોટેલના સ્ટાફ સહિત ટીનેજરનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.

સાસુનો જીવ બચાવવા માટે વહુએ બહાદુરીથી કર્યો દીપડાનો સામનો

પુણેના શિરુર તાલુકાના ઇનામગાવમાં સાસુનો જીવ બચાવવા વહુએ મોતનો સામનો કર્યો હતો. પુષ્પાબાઈ નલગે નામનાં વૃદ્ધા તેમના ઘરના આંગણામાં ખાટલા પર સૂતાં હતાં ત્યારે દીપડો તેમનો શિકાર કરવા તેમની પાસે આવી રહ્યો હતો ત્યારે જ તેમની વહુએ તેમનો જીવ બચાવવા દીપડાનો સામનો કરીને તેને ભગાડી દીધો હતો. પુષ્પાબાઈ રાતના સમયે આંગણામાં ખાટલા પર સૂતાં હતાં ત્યારે ઘરમાં કામકાજ કરી રહેલી તેમની વહુએ બહાર બૂમાબૂમ સાંભળી હતી. બહાર આવતાં તેણે તેના પરિવારજનોને અને સાસુ નજીક આવતા દીપડાને જોયો હતો. પુષ્પાબાઈને દીપડાથી બચાવવા વહુએ દીપડા સામે ધસીને એનો સામનો કર્યો હતો, જેમાં પુષ્પાબાઈના દોહિત્રએ પણ તેમને સાથ આપ્યો હતો. આ હરકત જોઈને ગભરાયેલો દીપડો ત્યાંથી નાસી ગયો હતો. વહુ અને દાહિત્રએ દાખવેલી બહાદુરીની આખા ઇનામગાવમાં ચર્ચા થઈ રહી છે. 
 

mumbai news mumbai maharashtra news maharashtra jalgaon suicide pune