23 February, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર કપૂરને પ્રતિષ્ઠિત ધર્મવીર આનંદ દિઘે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ
કલા અને જાહેર સેવાની ઉજવણી માટે એક ભવ્ય સમારોહમાં અભિનેતા જિતેન્દ્ર કપૂરને પ્રતિષ્ઠિત ધર્મવીર આનંદ દિઘે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘સૂર અને તાલ’ નામનો આ કાર્યક્રમ સ્વાતંયવીર સેવા પ્રતિષ્ઠાન દ્વારા ગડકરી રંગાયતન ઑડિટોરિયમ ખાતે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જન્મદિનની ઉજવણી નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિતકર મુખ્ય અતિથિ તરીકે અન્ય અગ્રણી મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સ્વીકારતાં ભાવુક થયેલા જિતેન્દ્રએ થાણે સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં કહ્યું હતું, ‘મને યાદ છે કે ૧૫ વર્ષ પહેલાં આ લૅન્ડસ્કેપનો મોટો ભાગ જંગલથી ઢંકાયેલો હતો અને આજે ઝડપી શહેરી પરિવર્તન અને પ્રગતિશીલ વિકાસ જોવો ખરેખર નોંધપાત્ર છે. આટલી ગતિશીલ ભાવના ધરાવતા શહેરમાં આ માન મળ્યું એ બદલ આભાર માનું છું.’