ચોથા માળેથી પડેલા સ્લૅબે હારમાળા સર્જી, ત્રીજા અને બીજા માળના પણ પડ્યા : ૬ જણનાં મોત, ૬ જણ ગંભીર

21 May, 2025 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણમાં કૉન્ટ્રૅક્ટરની બેદરકારી જીવલેણ નીવડી, ચોથા માળે ટાઇલ્સ લગાડતી વખતે સાવચેતી ન રાખી એમાં સર્જાઈ કરુણાંતિકા

ગઈ કાલની ઘટના બાદ કાટમાળ નીચેથી બચાવકામ કરી રહેલા અધિકારીઓ.

ગઈ કાલે બપોરે કલ્યાણ-ઈસ્ટના ચીકણીપાડા વિસ્તારમાં આવેલા સપ્તશ્રૃંગી બિલ્ડિંગનો ચોથા માળનો સ્લૅબ પહેલા માળે પડતાં એના કાટમાળ નીચે ફસાઈ જવાથી છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત છ લોકો ગંભીર રીતે જખમી થયા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના પ્રકાશમાં આવતાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC), પોલીસ અને ફાયર વિભાગ દ્વારા બચાવકાર્ય હાથ ધરી કાટમાળ નીચે ફસાયેલા છ લોકોને બહાર કાઢીને ઇલાજ માટે કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ચોથા માળના એક ફ્લૅટમાં ટાઇલિંગનું કામ ચાલતું હતું એ સમયે કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની માહિતી મળતાં કોલસેવાડી પોલીસે કૉન્ટ્રૅક્ટર સામે બેદરકારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ચોથા માળેથી છેક પહેલા માળનું ફ્લોરિંગ દેખાઈ રહ્યું છે. 

KDMCના ઍડિશનલ કમિશનર યોગેશ ગોડસેએ ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે દોઢથી બે વાગ્યા દરમ્યાન સપ્તશ્રૃંગી બિલ્ડિંગના ચોથા માળના એક ફ્લૅટમાં ટાઇલ્સ બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું. એ સમયે કૉન્ટ્રૅક્ટર દ્વારા તમામ ટાઇલ્સ કાઢીને નવી ટાઇલ્સ બેસાડવામાં આવી રહી હતી. એ દરમ્યાન કૉન્ટ્રૅક્ટર દ્વારા કોઈ કેમિકલ નાખવામાં આવ્યું હતું જેને કારણે ચોથા માળનો સ્લૅબ ત્રીજા માળે પડ્યો હતો. ત્રીજા માળે વજન વધી જતાં ત્રીજા માળનો સ્લૅબ બીજા માળે અને બીજા માળનો સ્લૅબ પહેલા માળે પડ્યો હતો. આ ત્રણે ફ્લૅટમાં રહેવાસીઓ હાજર હોવાથી ૧૨ લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. એની માહિતી અમને મળતાં અમારી બચાવટીમે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને ફાયર-બ્રિગ્રેડની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં દોઢ વર્ષની નમસ્વી શ્રીકાંત શેલાર, ૫૬ વર્ષનાં પ્રમીલા કાલિચરણ સાહૂ, ૩૮ વર્ષની સુનીતા નિરંજન સાહૂ, ૭૮ વર્ષનાં સુશીલા નારાયણ ગુજર, ૩૨ વર્ષના વ્યંકટ ભીમા ચૌહાણ, ૩૨ વર્ષની સુજાતા મનોજ પાડી એમ ૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં; જ્યારે સાડાચાર વર્ષનો વિનાયક મનોજ પાર્ધી, ૪ વર્ષનો શ્રાવિલ શ્રીકાંત શેલાર, ૨૬ વર્ષનો નિખિલ ચંદ્રશેખર ખરાત, ૪૮ વર્ષની અરુણા ગિરનારાયણ, ૧૩ વર્ષનો યશ જિતેન્દ્ર ક્ષીરસાગર અને ૧૪ વર્ષની શ્રદ્ધા સાહૂ ગંભીર રીતે જખમી થયાં હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલે છે. અમે આખું બિલ્ડિંગ ખાલી કરાવીને ત્યાં રહેતા લોકોને નજીકમાં આવેલી નૂતન જ્ઞાનમંદિર સ્કૂલમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપી છે.’

ઍડિશનલ કમિશનર યોગેશ ગોડસેએ વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સપ્તશ્રૃંગી બિલ્ડિંગનું રજિસ્ટ્રેશન ૨૦૦૬માં થયું હોવાની માહિતી અમને મળી છે. આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાતાં આશરે દોઢ વર્ષ પહેલાં KDMCના ‘જે’ વૉર્ડ દ્વારા બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ મગાવવામાં આવ્યો હતો. જોકે બિલ્ડિંગની સોસાયટીમાં વિવાદ હોવાથી કમિટી મેમ્બરોએ અમને રિપોર્ટ આપ્યો નહોતો. આવી ઘટના પાછી ન બને એ માટે ઇમારતોના મકાનમાલિકોને તેમ જ જર્જરિત દેખાતી ઇમારતોએ બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઑડિટ તાત્કાલિક કરાવવું જોઈએ એટલું જ નહીં, આજની ઘટના બાદ KDMCએ જાહેર કરેલી ૫૧૩ જર્જરિત ઇમારતોને ખાલી કરાવવાનું કામ આવતા અઠવાડિયાથી પોલીસની મદદ લઈને કરવામાં આવશે.’

કોલસેવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ ન્હાયાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘KDMCના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ચોથા માળે રહેતા કે. ચૌરસિયાના ફ્લૅટમાં કામ કરતા કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ કરી છે. કૉન્ટ્રૅક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું એ સમયે તેણે અનુભવી માણસો રાખ્યા નહોતા એટલું જ નહીં, તેણે કામ કરવા પહેલાં કોઈ પરવાનગી પણ લીધી નહોતી જેને કારણે આ ઘટના બની હતી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

મુખ્ય પ્રધાને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
કલ્યાણમાં બનેલી ઘટના વિશે ગઈ કાલે સાંજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કલ્યાણની દુખદ ઘટનામાં કમનસીબે ૬ જણના જીવ ગયા હોવાની માહિતી આપીને મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઘટનામાં જખમી થયેલા લોકોની ઝડપથી સારા થવાની પ્રાર્થના કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી. 

kalyan kalyan dombivali municipal corporation mumbai fire brigade news mumbai mumbai police mumbai news