09 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ આર્કેડના પરિસરમાં આવેલા સ્ટૉલ્સ પર ખાણી-પીણીની મજા માણવા આવેલા લોકો. તસવીરો : અનુરાગ અહિરે
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ટેન્થ સેન્ટર મૉલની બહાર પોતાનો સ્ટૉલ લગાવતા ફેરિયાઓ પર થોડા દિવસ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ હથોડો ચલાવ્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે બે-ચાર દિવસમાં બધું ફરી શરૂ થઈ જશે, પણ આજે ૨૦ દિવસ થઈ ગયા હોવા છતાં અહીં ખાણી-પાણીના સ્ટૉલ પાછા શરૂ નથી થયા.
જોકે એની સામે જ રસ્તાની બીજી બાજુએ રાજ આર્કેડ બિલ્ડિંગના પરિસરમાં આવેલી મહાવીરનગરની ઓરિજિનલ ખાઉગલીમાં બધા સ્ટૉલવાળા ધમધોકાર ધંધો કરી રહ્યા છે. એને લીધે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે રસ્તાની એક બાજુની ખાઉગલી બંધ કરાવી અને બીજી બાજુ સોસાયટીના પરિસરમાં બેસીને લોકો ખાતા હોવા છતાં કોઈ ઍક્શન લેવામાં નથી આવી.
ટેક્નિકલી વાત કરીએ તો એવું છે કે ટેન્થ સેન્ટર મૉલ બોરીવલી વૉર્ડ-ઑફિસની હેઠળ આવે છે અને રોડની બીજી બાજુ આવેલું રાજ આર્કેડ કાંદિવલી વૉર્ડ-ઑફિસની અન્ડર આવે છે. આ જ કારણસર ૧૭ માર્ચે બોરીવલી વૉર્ડ-ઑફિસના અધિકારીઓએ ટેન્થ સેન્ટર મૉલની બહારના ગેરકાયદે સ્ટૉલ્સ દૂર કર્યા હતા, પણ તેઓ રસ્તાની બીજી બાજુ નહોતા ગયા.
આખા મુંબઈના ફૂડપ્રેમીઓ માટે આ ખાઉગલી જલસાનું સ્થળ છે, પણ આ જગ્યાએ રહેતા લોકો ખાઉગલીને લીધે થતી હેરાનગતિથી જબરદસ્ત કંટાળી ગયા છે. શનિવારે અને રવિવારે તો એવી હાલત હોય છે કે મોટા ભાગના સ્થાનિક રહેવાસીઓ ખાઉગલીવાળો રસ્તો વાપરવાને બદલે વૈકલ્પિક રસ્તાઓ વાપરતા હોય છે. જોકે છેલ્લા થોડા સમયથી આ રસ્તાઓ પર પણ ટ્રૅફિક જૅમ થવા લાગ્યો છે અને કોઈને કાર લઈને પોતાના બિલ્ડિંગની બહાર નીકળવું હોય તો બે વાર વિચારવું પડે છે. ખાઉગલીને લીધે બેસ્ટની બસવાળા પણ હેરાનપરેશાન થઈ ગયા છે. કન્ડક્ટરો રીતસર વ્હિસલ પોતાની પાસે રાખે છે અને એ વગાડી-વગાડીને રસ્તો ક્લિયર કરાવતા હોય છે.
આ જ કારણસર ફુટપાથ પર ધંધો કરતા ફેરિયાઓને દૂર કરવામાં નિષ્ફળ ગયેલા BMCની નિષ્ક્રિયતાથી કંટાળીને મહાવીરનગરમાં જ આવેલી પંચશીલ હાઇટ્સ નામની સોસાયટીએ ફુટપાથ પર બાઉન્સર્સ ગોઠવી દીધા છે જે ફુટપાથને ફેરિયાઓથી મુક્ત રાખવાનું કામ કરી રહ્યા છે.