25 June, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે ચક્ષુદાન, ત્વચાદાન અને દેહદાન વિશે સાંભળ્યું છે, પણ અંગદાન (ઑર્ગન ડોનેશન) વિશે આપણને પર્યાપ્ત જાણકારી નથી. આ એક એવું મહાદાન છે જે ઘણા બધાની જિંદગીમાં નવું ચેતન અને ઊર્જા લાવી શકે છે. એ વિશે સમાજમાં જોઈએ એટલી જાગૃતિ ન હોવાથી આ વિશે લોકોમાં સાચું માર્ગદર્શન આપવાના આશય સાથે કાંદિવલી સ્થિત સંસ્થાઓ એઇડ્સ કૉમ્બેટ ઇન્ટરનૅશનલ (ACI), મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન, શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, પથદર્શક ચૅરિટેબલ ટ્રસ્ટ, પ્રગતિ મિત્ર મંડળ, કાંદિવલી એજ્યુકેશન સોસાયટીએ સંયુક્ત સ્વરૂપે ૨૮ જૂને શનિવારે સાંજે પાંચથી ૭ વાગ્યા દરમ્યાન કાંદિવલીમાં એક માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કર્યું છે. આ પરિસંવાદના મુખ્ય વક્તા નિલેશ માંડલેવાલા છે જેઓ છેલ્લા અઢી દાયકાથી આ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
સુરતમાં નિલેશભાઈ માંડલેવાલા સ્થાપિત સંસ્થા ડોનેટ લાઇફ ઑર્ગન ડોનેશનનું કાર્ય દેશભરમાં એક યજ્ઞની જેમ કરી રહી છે. ઑર્ગન ડોનેશન બ્રેઇન-ડેડ વ્યક્તિનું થઈ શકે છે; જેમાં કિડની, લિવર, હાર્ટ, પૅન્ક્રિયાઝ, ફેફસાં, આંતરડાં, હાથ વગેરે સહિત વિવિધ અંગોનું દાન જરૂરિયાતમંદ લોકોને થઈ શકે છે જેણે અત્યાર સુધી અનેક લોકોને નવું જીવન આપ્યું છે.
આ કાર્યક્રમની રૂપરેખા મુજબ ACIના સ્થાપક ડૉ. ગિરીશ ત્રિવેદી નિલેશ માંડલેવાલાનો પરિચય આપશે. નિલેશભાઈ પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન મારફત વિવિધ કિસ્સાઓ સાથે ઑર્ગન ડોનેશનનું મહત્ત્વ સરળ ભાષામાં સમજાવશે. આ સાથે ઑર્ગન ડોનેશનના વિષય સંબંધી જાણીતા ગાયકો દ્વારા ગીતોની પ્રસ્તુતિ પણ થશે. અંતમાં શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર થશે. આ પ્રસંગે રક્તદાન અને ઑર્ગન ડોનેશન સહિતની અનેક સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા સન્ડે ફ્રેન્ડ્સ ગ્રુપ સહિત વિવિધ અન્ય સામાજિક સંસ્થાઓ પણ હાજર રહેશે. આ પરિસંવાદનો ઉદ્દેશ ઑર્ગન ડોનેશન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આમાં હાજર રહેવા કોઈ ફી કે ચાર્જ નથી.
સમય : સાંજે પાંચથી સાત (૪.૩૦ ચા-બિસ્કિટની વ્યવસ્થા). સ્થળ : પંચોલિયા હૉલ, ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સ, ત્રીજે માળે, (લિફટની વ્યવસ્થા) કાંદિવલી-વેસ્ટ, કાંદિવલી રેક્રીએશન ક્લબની સામેના ગેટથી પ્રવેશ. કાંદિવલી-વેસ્ટ. વધુ માહિતી માટે સંપર્ક : ડૉ. ગિરીશ ત્રિવેદી – 9821081138