કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસના રહેવાસીઓ દુર્ગંધથી હેરાનપરેશાન

17 March, 2025 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમનો આક્ષેપ છે કે કચરા પર પ્રક્રિયા કરવાના નામે કૉન્ટ્રૅક્ટરો પોતાનાં ખિસ્સાં ભરતા હોવાથી કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડનું એન્વાયર્નમેન્ટલ ઑડિટ કરાવવું જોઈએ

કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ

કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર નાખવામાં આવતા કચરામાંથી આવતી દુર્ગંધને કારણે ત્યાં નજીકમાં રહેતા લોકો ભારે પરેશાન છે. ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે કચરા પર પ્રક્રિયા કરવામાં આવે છે એવું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)કહે છે, પણ ખરેખર એ પ્રક્રિયા થાય છે કે પછી માત્ર કૉન્ટ્રૅક્ટરોનાં ખિસ્સાં જ ભરાય છે? આ જ કારણસર આ ડમ્પિંગ ગ્રાઉન્ડનું નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, મુંબઈ દ્વારા એનું ઑ​ડિટ કરાવવામાં આવે.

છેલ્લા થોડા વખતથી વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ અને મુલુંડમાં રહેતા લાખો લોકોએ ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી આવતી ભયંકર દુર્ગંધને કારણે હેરાનગતિ ભોગવવી પડે છે. BMCએ એ કચરા પર કેમિકલ ટ્રીટમેન્ટ કરવા કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરી છે. કૉન્ટ્રૅક્ટર દ્વારા એ ટ્રીટમેન્ટ બરાબર કરવામાં આવતી નથી અને એને લીધે આટલી દુર્ગંધ પ્રસરે છે એવો આક્ષેપ સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દિવસના સમયે એટલી દુર્ગંધ નથી આવતી, પણ સાંજ પડ્યા પછી ભારે દુર્ગંધ આવે છે જેને કારણે બારી-દરવાજા બંધ કરી દેવા પડે છે. દિવસ દરમ્યાન ઠાલવવામાં આવેલો કચરો સાંજ પછી આઘોપાછો કરવામાં આવે છે એટલે આ દુર્ગંધ આવે છે. પોલીસ પણ હેરાન થાય છે. એમ છતાં જો એ બાબતે ફરિયાદ કરવા જઈએ તો તેઓ અમારી ફરિયાદ લેતા નથી એવો આક્ષેપ પણ સ્થાનિક રહેવાસીઓએ કર્યો હતો.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો બાળીને ઇલેક્ટ્રિસિટી ઊભી કરવાના પ્રોજેક્ટનો વિરોધ
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠાલવવામાં આવતા કચરામાંથી ઇલેક્ટ્રિસિટી બનાવવાનો પ્રોજેક્ટ BMCએ સૂચવ્યો છે, પણ એ પ્રોજેક્ટનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે ઑલરેડી ગોવંડી અને દેવનારમાં ભયંકર પ્રદૂષણ છે. એમાં જો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો કચરો બાળવાને કારણે પ્રદૂષણમાં વધારો થશે એટલે આ પ્રોજેક્ટ શરૂ ન કરવો જોઈએ. ગોવંડી સિટિઝન્સ વેલ્ફેર ફોરમે આ માટે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને BMCમાં ફરિયાદ પણ કરી છે. 

kanjurmarg brihanmumbai municipal corporation environment mumbai mumbai news news health tips