22 April, 2025 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની KEM હૉસ્પિટલની છ મહિલા ડૉક્ટરોએ એક સિનિયર પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યાના થોડા દિવસો પછી, હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને ફરિયાદીઓ પ્રત્યે સમર્થન આપ્યું છે અને નિષ્પક્ષ તપાસની વિનંતી કરતા એક નિવેદન જાહેર કર્યું છે.
KEMના મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (KEM-MARD)એ ફોરેન્સિક અને ટોક્સિકોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. રવિન્દ્ર દેવકર સામેના આરોપોને "ખૂબ જ ચિંતાજનક" ગણાવ્યા છે. જાહેર કરાયેલા નિવેદનમાં, ડૉક્ટરોએ અને ન્યાયસંગત તથા ગોપનીય તપાસની માગ કરી છે.
KEM ડીન ડૉ. સંગીતા રાવતે પુષ્ટિ આપી કે તમામ સંબંધિત દસ્તાવેજો BMCના ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવ્યા છે. BMC હૉસ્પિટલ્સના ડિરેક્ટર ડૉ. નીલમ એન્ડ્રેડે જણાવ્યું હતું કે ડૉ. દેવકરને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને આ મામલો સેન્ટ્રલ POSH (જાતીય સતામણી નિવારણ) સમિતિને સોંપવામાં આવ્યો છે. "POSH (Prevention of Sexual Harrasment)ની તપાસ આ અઠવાડિયે હાથ ધરવામાં આવશે," તેમણે ઉમેર્યું.
અયોગ્ય જાતીય વર્તનના અનેક કિસ્સાઓની ફરિયાદો બાદ, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ 12 એપ્રિલના રોજ ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં ડૉ. દેવકર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. "સોમવારે આગોતરા જામીનની સુનાવણી છે. સુનાવણી બાદ કોર્ટના નિર્ણયના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના અંગે હજી તપાસ ચાલુ છે," સિનિયર પીઆઇ સચિન કદમે જણાવ્યું હતું. આ ઘટના અને ફરીયાદ અંગે ડૉ. દેવકરનો નિવેદન મેળવવાના અનેક પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ 32 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા કરવામાં આવી હતી, જેણે આરોપ લગાવ્યો હતો કે દેવકર વારંવાર અયોગ્ય ટિપ્પણીઓ અને શારીરિક શોષણ કરતા હતા, ખાસ કરીને જ્યારે તે સાડી પહેરતી હતી. આ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે વધુમાં કહ્યું કે ઑફિશયલ કામ અને પરીક્ષાઓ દરમિયાન પણ ડૉ. દેવકરે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
અન્ય પાંચ ડૉકટરોએ પણ આવા જ આરોપો મૂક્યા હતાં, જેમાં તેમણે કહ્યું હતું કે દેવકરે હોળીના તહેવાર, સેમિનાર અને કેઝ્યુઅલ આઉટિંગ દરમિયાન તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. એક ડૉકટરે આરોપ લગાવ્યો હતો કે ડૉ. દેવકરે તેને આઇસ્ક્રીમ ખાવાને બહાને સુમસામ રસ્તા પર લઈ ગયો હતો અને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. આ મહિલા ડૉક્ટરોએ શરૂઆતમાં ડૉ. દેવકરની પત્નીને ફરિયાદ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પહેલા હૉસ્પિટલના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. દેવકરે આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ડૉ. દેવકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હૉસ્પિટલ પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.