સિયા પૉઇન્ટ જોવા લોહગઢ જનારા સહેલાણીઓની સંખ્યા પચીસ ટકા વધી ગઈ

01 July, 2026 07:34 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

લોનાવલા પાસેના લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારીને કેતન અગ્રવાલની હત્યા કરાયાના કેસની આખા દેશમાં ચર્ચા છે

લોહગઢ

લોનાવલા પાસેના લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારીને કેતન અગ્રવાલની હત્યા કરાયાના કેસની આખા દેશમાં ચર્ચા છે. હવે લોનાવલા ફરવા આવનારા સહેલાણીઓ ખાસ લોહગઢ અને એમાં પણ કેતનને જ્યાંથી ખીણમાં ફગાવાયો એ પૉઇન્ટની મુલાકાત લઈ રહ્યા છે. એને હવે ત્યાંના લોકલ લોકો ‘સિયા પૉઇન્ટ’ કહી રહ્યા છે, જેને જોવા ધસારો થઈ રહ્યો છે. કેતન અગ્રવાલની હત્યાના એ બનાવ પછી લોહગઢ ફરવા આવનારા સહેલાણીઓની સંખ્યામાં પચીસ ટકાનો વધારો થઈ ગયો છે. લોકો સિક્યૉરિટી સ્ટાફને પૂછે છે કે એ સિયા પૉઇન્ટ ક્યાં છે અને એ જોવા જાય છે. 
લોહગઢમાં રેગ્યુલર વીક-એન્ડમાં અંદાજે ૪૦૦૦થી ૫૦૦૦ ટૂરિસ્ટ આવતા હોય છે. જોકે હવે સ્થાનિક લોકોનું કહેવું છે કે હવે જે ક્રાઉડ વીક-એન્ડમાં જોવા મળતું હતું એ રેગ્યુલર દિવસોમાં જોવા મળી રહ્યું છે. લોકો સિયા પૉઇન્ટ જોવા આવી રહ્યા છે. કિલ્લા પર એન્ટ્રી-પૉઇન્ટ પર CCTV કૅમેરા હોવાથી સાવધાન રહેવાનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. 

પુણેના વકીલ આશુતોષ શ્રીવાસ્તવે સિયાના ભાઈ પર ૧૦ કરોડનો બદનક્ષીનો દાવો ઠોક્યો

કેતન અગ્રવાલ કેસની ૨૦ વર્ષની આરોપી સિયા ગોયલનો કેસ કોર્ટમાં કયો વકીલ લડશે એ બાબતે મતમતાંતર જોવા મળ્યા હતા અને હવે આ બાબતે નવો ટ્વિસ્ટ આવ્યો છે. વકીલ આશુતોષ શ્રીવાસ્તવે સિયાના ભાઈ સાહિલ પર ૧૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઠોકી દીધો છે અને એ માટે તેને નોટિસ મોકલી છે.

આશુતોષ શ્રીવાસ્તવે આ બાબતે કહ્યું હતું કે સિયાએ તેનો બચાવ કરવા તેમને નીમ્યા હતા અને એ માટેનું વકીલાતનામું પણ તેમણે કોર્ટમાં રજૂ કર્યું હતું. વળી આ નિમણૂક ફક્ત મૌખિક કે મીડિયામાં પ્રોજેક્ટ કરવા નહોતી કરાઈ, પણ સિયાએ કાયદેસર કરી હતી એમ તેમનું કહેવું છે. જો જરૂર પડશે તો એ માટેના સિયાએ સહી કરેલા દસ્તાવેજો પણ તે રજૂ કરશે એમ તેમણે જણાવ્યું હતું. 
સામા પક્ષે સિયાના ભાઈ સાહિલ ગોયલે કહ્યું હતું કે ‘અમે સિયાનો કેસ લડવા આશુતોષ શ્રીવાસ્તવની વકીલ તરીકે નિમણૂક કરી નથી. તે અમારા વકીલ નથી. અમે (પરિવારે) સિયા માટે અન્ય વકીલ વિપુલ દુષ્યંતની નિમણૂક કરી છે.’

આશુતોષ શ્રીવાસ્તવે કહ્યું હતું કે સિયાએ તેમની કાયદેસર નિમણૂક કરી હતી, જ્યારે સાહિલ ગોયલે તેની નિમણૂક નથી કરી તેમ જ તેણે ધમકી આપી હોવાનું ગઈ કાલે કહ્યું હતું. આ વાતથી તેમના પ્રોફેશનને ધક્કો પહોંચાડ્યો હોવાનું કહીને ૧૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ફટકારતી નોટિસ તેમણે સાહિલ ગોયલને મોકલી છે. 

કેતન અગ્રવાલની હત્યા વખતની ચેતન ચૌધરીની CCTV કૅમેરામાં ઝિલાઈ ગયેલી દરેક મૂવમેન્ટ જેમ કે તેની ચાલવાની પદ્ધતિ, હિલચાલ અને બૉડી-લૅન્ગ્વેજનું Gait ઍનૅલિસિસ કરવામાં આવશે. કેતનની ૧૮ જૂને લોહગઢ પર કરાયેલી હત્યાના સંદર્ભે તપાસ કરી રહેલી પોલીસને ચેતન ચૌધરીનાં લોહગઢ ખાતેના CCTV કૅમેરાનાં ફુટેજ મળ્યા છે. જોકે એમાં તેનો ચહેરો ક્લિયર દેખાતો નથી. એથી તેનું Gait ઍનૅલિસિસ કરીને સાયન્ટિફિક રીતે તેની ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

શું છે Gait ઍનૅલિસિસ?
Gait ઍનૅલિસિસમાં વ્યક્તિના શરીરની પૂરી મૂવમેન્ટનું સાયન્ટિફિક રીતે ઍનૅલિસિસ કરવામાં આવે છે. એક્સપર્ટ્સની ટીમ તેનાં ડગલાંની લંબાઈ, ચાલવાની સ્પીડ, બૉડી-લૅન્ગ્વેજ, હાથની મૂવમેન્ટ, નિતંબની મૂવમેન્ટ, જમીન પર પડનારાં પગલાં સહિત કુલ ૨૦ બાબતોની સ્ટડી કરે છે. કહેવાય છે કે જે રીતે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ-અલગ હોય છે એમ દરેક વ્યક્તિની ચાલ પણ અલગ હોય છે. આ ટેક્નિક હેઠળ CCTV કૅમેરાનાં ફુટેજની દરેકેદરેક ફ્રેમની બારીકીથી ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. ત્યાર બાદ તે વ્યક્તિના જૂના વિડિયો કે સોશ્યલ મીડિયાની ક્લિપ સાથે એને સરખાવી જોવામાં આવે છે. એ સિવાય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સૉફ્ટવેર શરીરના જૉઇન્ટ્સ ટ્રૅક કરીને એનું થ્રી-ડાઇમેન્શનલ મૉડલ તૈયાર કરે છે અને એ બન્નેને સરખાવીને તેની ચાલનું ઍનૅલિસિસ કરવામાં આવે છે. જો સારી ક્વૉલિટીનું ફુટેજ હોય તો એ ૯૦ ટકા જેટલું સાચું ઠરે છે.    

કેસમાં કેમ ઇમ્પોર્ટન્ટ છે?
કેતન અગ્રવાલ કેસમાં જે CCTV કૅમેરાનાં ફુટેજ મળ્યાં છે એમાં ચેતનનો ચહેરો ક્લિયર દેખાતો નથી. એથી તેની જૂની ક્લિપ કે વિડિયો સાથે એ સરખાવી જોવાશે. જો એનાં પૅરામીટર્સ પ્રમાણે એ મૅચ થાય છે તો મોબાઇલ લોકેશન, કૉલ ડીટેલ્સ અને અન્ય ફૉરેન્સિક પુરાવા સાથે એને જોડીને તપાસને વધુ સ્ટ્રૉન્ગ બનાવી શકાશે. કોર્ટમાં અન્ય પુરાવા સાથે એને જોડીને રજૂઆત કરી શકાય છે. 

mumbai news mumbai pune news pune murder case maharashtra news maharashtra