26 October, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરીટ સોમૈયા
શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ ટૂ (T2) પાસેની મસ્જિદ પર કાર્યવાહી ન કરવામાં આવી હોવાને કારણે જેલભરો આંદોલન કર્યું હતું અને આ ગેરકાયદે મસ્જિદને હટાવવાની માગણી કરી હતી. જોકે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મુંબઈ પોલીસ બધાં જ એકબીજા પર દોષ ઢોળી રહ્યાં હતાં અને આદેશ ન મળ્યો હોવાનું કહી રહ્યાં હતાં.
પહેલી ઑક્ટોબરે આ મુદ્દે બેઠક બોલાવવા માટે કિરીટ સોમૈયા ઉપરાંત અન્યોને આપવામાં આવેલું નિમંત્રણ.
આશિષ શેલારે ગેરકાયદે મસ્જિદના મામલે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો એ દસ્તાવેજ.
જોકે રવિવારે કિરીટ સોમૈયાએ તેમને ખોટા સાબિત કરતા પુરાવા સાથે આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ વિશેના દસ્તાવેજો પણ તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યા હતા. એમાં મુંબઈના પાલક પ્રધાન તથા ઇલેક્ટ્રૉનિક્સ તથા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન આશિષ શેલારે ૨૦૨૬ની પહેલી ઑક્ટોબરે જ ગેરકાયદે મસ્જિદ બાબતે તપાસ હાથ ધરીને FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાના દસ્તાવેજો તેમણે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મૂક્યા હતા. કિરીટ સોમૈયા ઉપરાંત મુંબઈના પોલીસ-કમિશનર, MMRDAના કમિશનર સહિત અન્ય વિભાગોના અધિકારીઓ સાથેની બેઠક બાદ આશિષ શેલારે આ આદેશ આપ્યો હતો.
૨૦૧૪ની સૅટેલાઇટ ઇમેજમાં ક્યાંય મસ્જિદ દેખાતી નથી
કિરીટ સોમૈયાએ મસ્જિદ ગેરકાયદે બનાવવામાં આવી હોવાનો પુરાવો હોવાનું જણાવીને આ લૅન્ડ જેહાદનું પ્રકરણ હોવાનું કહેતાં જણાવ્યું હતું કે ‘૨૦૧૪માં T2નું ઉદ્ઘાટન થયું એ વખતની સૅટેલાઇટ ઇમેજ જોતાં ત્યાં ક્યાંય મસ્જિદ દેખાતી નથી. સૅટેલાઇટ મૅપમાં હવે ઍરપોર્ટની ૫૦૦૦ સ્ક્વેરફુટની જમીન પર કબજો જમાવવામાં આવ્યો હોવાનું દેખાય છે, જેમાંથી ૩૦૦૦ સ્ક્વેરફુટ પર મસ્જિદે જ કબજો જમાવ્યો છે. આ જમીન ઍરપોર્ટ ઑથોરિટીની હોવાનું અમને તહસીલદાર સહિતના સરકારી અધિકારીઓએ જણાવ્યું છે. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)ના અધિકારીઓએ ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (AAI)ની આ જમીન ગેરકાયદે મોહમ્મદ સરવર નામના ભૂમાફિયાને આપી છે તેથી આ મસ્જિદને તોડી પાડવામાં આવવી જોઈએ.’