17 March, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોલ્હાપુરના ટેંબલાઈ નાકા ચોકથી રાજારામપુરી તરફ જતા ફ્લાયઓવર પાસે આ દુર્ઘટના ઘટી હતી.
કોલ્હાપુરમાં શુક્રવારે ધુળેટીની રાતે એક કાર-ડ્રાઇવરે અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. કોલ્હાપુરના ટેંબલાઈ નાકા ચોકથી રાજારામપુરી તરફ જતા ફ્લાયઓવર પાસે આ દુર્ઘટના ઘટી હતી.
રાજારામપુરીમાં રહેતા પંચાવન વર્ષના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ધીરજ શિવાજી પાટીલ શુક્રવારે મધરાત બાદ બે વાગ્યે તારાબાઈ પાર્ક વિસ્તારની એક હોટેલમાં જમીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે હાર્ટ અટૅક આવવાના કારણે તેમનો કાર પરથી કન્ટ્રોલ ગયો હતો અને કાર સર્વિસ રોડ પર પાર્ક કરેલી રિક્ષા સહિત ૯ ટૂ-વ્હીલર્સને અડફેટે લીધા બાદ આગળ જઈ અટકી ગઈ હતી. મધરાત બાદનો સમય હોવાથી એ કાર અથડાવાનો જોરદાર અવાજ આવતાં લોકો ઊંઘમાંથી ઊઠીને દોડ્યા હતા. તેમણે કાર અથડાયેલી જોઈ તરત જ ત્યાં પહોંચી તપાસ કરી પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ અને ટ્રૅફિક પોલીસે સ્થાનિક રહેવાસીઓની મદદથી ધીરજ પાટીલને કારમાંથી બહાર કાઢી તરત જ હૉસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવાય છે કે તેમને હાર્ટ અટૅક આવ્યો અને એથી તેમણે કાર પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હતી. આ આખી ઘટના ત્યાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ હતી.