07 April, 2025 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુણાલ કામરા
કૉમેડિયન કુણાલ કામરાએ મદ્રાસ હાઈકૉર્ટ પાસેથી મળેલી ઇન્ટરિમ રાહત પૂરી થયા પહેલા મોટું પગલું ઉઠાવ્યું છે. કૉમેડિયન તરફથી બૉમ્બે હાઈકૉર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આમાં ખાસ પોલીસ થાણામાં દાખલ એફઆઈઆરને રદ કરવાની માગ કરવામાં આવી છે. કામરાની અરજી પર 21 એપ્રિલના રોજ સુનાવણી થશે.
કૉમેડિયન કુણાલ કામરા મુંબઈ પોલીસની કાર્યવાહીથી બચવા માટે હવે બૉમ્બે હાઈકૉર્ટ તરફ વળ્યો છે. મદ્રાસ હાઈકૉર્ટ પાસેથી વચગાળાના જામીન મળ્યા બાદ કુણાલ કામરાએ બૉમ્બે હાઈકૉર્ટમાં એક અરજી દાખલ કરી છે. આમાં કૉમેડિયને માગ મૂકી છે કે મુંબઈ પોલીસ દ્વારા તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરી દેવામાં આવે. કુણાલ કામરા મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ ગદ્દારવાળી ટિપ્પણી કરવા માટે શિવસેનાના કાર્યકર્તાઓના નિશાને ચડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટીના યુવા વિંગના નેતા રાહુલ કાનલે કામરાના મુંબઈ આવવા પર શિવસેના સ્ટાઈલમાં વેલકમ કરવાની વાત કહી હતી.
21 એપ્રિલે સુનાવણી થશે
કુણાલ કામરાએ પોતાની અરજીમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જીવનના અધિકારના મૂળભૂત અધિકારના આધારે તેમની સામે નોંધાયેલ FIR રદ કરવાની માંગ કરી છે. આ કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટની જસ્ટિસ એસ.વી. કોટવાલ અને જસ્ટિસ એસ.એમ. મોડકની ડિવિઝન બેન્ચ 21 એપ્રિલે કરશે. મહારાષ્ટ્રમાં કુણાલ કામરા વિરુદ્ધ પાંચ એફઆઈઆર નોંધવામાં આવી છે. કુણાલ કામરાને હાજર થવા માટે મુંબઈ પોલીસે ત્રણ સમન્સ જારી કર્યા છે. મદ્રાસ હાઈકોર્ટે કુણાલ કામરાને 7 એપ્રિલ સુધી રાહત આપી હતી.
શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે, 24 માર્ચે, MIDC પોલીસ સ્ટેશને કામરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 353(1)(b), 353(2) (જાહેર ઉપદ્રવ પેદા કરતા નિવેદનો) અને 356(2) (માનહાનિ) હેઠળ કેસ નોંધ્યો હતો. બાદમાં આ ઝીરો એફઆઈઆર ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી. આ પછી, મુંબઈ પોલીસે કામરાને સમન્સ જારી કર્યા. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કામરાએ ખારના હેબિટેટ સ્ટુડિયોમાં એક શો દરમિયાન એકનાથ શિંદેની નૈતિક છબી પર સવાલ ઉઠાવતી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી શિંદેની છબી ખરાબ થઈ હતી અને તેમને નુકસાન પણ થયું હતું. આ સ્ટુડિયો શિવસેનાના કાર્યકરો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે શિવસેનામાં વિભાજન અંગે શિંદે પર કથિત રીતે બદનક્ષીભરી ટિપ્પણી કરવા બદલ કામરાએ એક વીડિયો શૂટ કર્યો હતો, જે બાદ તેમની પાર્ટીના કાર્યકરોએ 23 માર્ચની રાત્રે સ્ટુડિયો અને તે જ્યાં સ્થિત છે તે હૉટેલમાં તોડફોડ કરી હતી. અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે કામરાને 5 એપ્રિલે હાજર થવા કહ્યું હતું, અને ત્રીજી વખત સમન્સ જાહેર કર્યા હતા, ત્યારબાદ ખાર પોલીસની એક ટીમે માહિમ સ્થિત તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.