હવે ઑલેક્ટ્રા કંપનીના બસ-ડ્રાઇવર અને કન્ડક્ટરોએ પગાર માટે હડતાળ કરી

18 January, 2025 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે મૅનેજમેન્ટે મીટિંગ કર્યા બાદ બપોરે બે વાગ્યે તેઓ કામ પર પાછા આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

કુર્લામાં જે બસે ૯ જણનો ભોગ લીધો હતો એ લીઝ પરની બસ ઑલેક્ટ્રા કંપનીની હતી. એ સિવાય હજી ગયા અઠવાડિયે જ ઑલેક્ટ્રા કંપનીના કૉન્ટ્રૅક્ટરની બસ પરના ડ્રાઇવર અને કન્ડક્ટર એક મહિલા કન્ડક્ટરને યોગ્ય વર્તણૂક ન આપવામાં આવતાં ફ્લૅશ-સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. હવે ગઈ કાલે એ જ ઑલેક્ટ્રા કંપીનીના કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવરો અને કન્ડક્ટર પગાર ન મળ્યો હોવાથી અચાનક સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા જેના કારણે પ્રવાસીઓએ હાલાકી ભોગવવી પડી હતી.

મુંબઈ સેન્ટ્રલ ડેપોની ૧૦૦ ઑલેક્ટ્રા બસના કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવર અને કન્ડક્ટર પગાર ન મળ્યો હોવાથી ગઈ કાલે સવારે હડતાળ પર ઊતરી ગયા હતા, જેના કારણે પ્રવાસીઓને બસ ન મળવાને કારણે હાલાકી ભોગવવી પડી હતી અને અન્ય ટ્રાન્સપોર્ટ મોડ પર આધાર રાખવા પડ્યો હતો, જ્યારે ધારાવી સુધીના કાળાકિલ્લા બસ ડેપોની ૬૦ ઑલેક્ટ્રા બસના ડ્રાઇવર અને કન્ડક્ટરોએ ગુરુવારે આ જ કારણસર સ્ટ્રાઇક કરી હતી.

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)ના પ્રવક્તા સુદામ સાવંતે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ સેન્ટ્રલ ડેપોના ઑલેક્ટ્રા કૉન્ટ્રૅક્ટ કંપનીના કન્ડક્ટર અને ડ્રાઇવરો પગારની માગણીને લઈને સવારે સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. એ પછી કંપની મૅનેજમેન્ટ સાથે તેમણે વાત કરી હતી અને તેમની વચ્ચે  સુલેહ થતાં હડતાળ બપોરે બે વાગ્યે સમેટી લેવામાં આવી હતી અને એ પછી કન્ડક્ટર અને ડ્રાઇવર કામ પર પાછા આવી ગયા હતા.’

kurla road accident mumbai brihanmumbai electricity supply and transport news mumbai news