07 July, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદર સ્ટેશન નજીકથી પોલીસે ધરપકડ કરેલો આરોપી સિકંદર પંખાડિયા.
એક લાખ રૂપિયાની બદલીમાં પાંચ લાખ રૂપિયાની ખોટી નોટો મુંબઈ ડિલિવરી કરવા આવેલો કચ્છના નલિયા જિલ્લાનો ૩૪ વર્ષનો સિકંદર પંખાડિયા સાયન પોલીસ દ્વારા દાદર સ્ટેશન નજીકથી પકડાયો એમાં પુણેની મહિલાનું ભેજું કામ કરી ગયું. પુણેના હડપસર વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષની માયા સાથે ૨૦૨૪ના અંતમાં બે લોકોએ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. માર્ચ મહિનામાં કચ્છના પ્રવાસ સમયે માયાને ભાષા પરથી તેને છેતરનારા આરોપીઓ કચ્છના હોવાની શંકા જતાં તેણે વધુ તપાસ કરી હતી અને ગૅન્ગના મુખ્ય સૂત્રધારનો નંબર મેળવીને તેની સાથે સતત ૩ મહિના સુધી વાત કરીને તેને પકડાવવા મુંબઈ બોલાવ્યો હતો.
માયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ના અંતમાં સ્કૅનર મશીન અને બૅન્ક ડિપોઝિટ મશીનમાં આસાનીથી જતી નકલી નોટો વિશે મેં ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. એની વધુ માહિતી લેતાં પાંચ લાખ રૂપિયાની અસલી નોટોની બદલીમાં ૨૫ લાખ રૂપિયાની નકલી નોટો આપવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો. એ સમયે હું મારા દાગીના ગીરવી મૂકી પાંચ લાખ રૂપિયા લઈને દાદર રેલવે-સ્ટેશન નજીક ૨૫ લાખ રૂપિયાની નકલી નોટો લેવા માટે આવી હતી. ત્યારે બે યુવાનોએ પાંચ લાખ રૂપિયા લઈ સામે નકલી નોટો ન આપીને મારી સાથે છેતરપિંડી કરી હતી. એ સમયે મેં પણ ખોટું કામ કર્યું હોવાથી પોલીસ-ફરિયાદ કરી નહોતી. દરમ્યાન આશરે ૩ મહિના પહેલાં હું કચ્છ ફરવા ગઈ હતી. ત્યાં સ્થાનિક લોકો જેવી ભાષામાં વાત કરી રહ્યા હતા એના પરથી મને ખાતરી થઈ હતી કે મારી સાથે છેતરપિંડી કરનારા યુવાનો પણ અહીંના જ હોઈ શકે છે. ત્યાર બાદ વધુ તપાસ કરી ત્યારે માહિતી મળી કે આરોપીઓ કચ્છના જ છે. ત્યાર બાદ મેં આવી છેતરપિંડી કરનારા માસ્ટરમાઇન્ડનો નંબર મેળવ્યો હતો અને બીજા નંબર પરથી ફોન કરીને મને ખોટી નોટો જોઈતી હોવાનું કહીને સતત બેથી ૩ મહિના તેની સાથે વાત કરીને તેને વિશ્વાસ અપાવ્યો હતો. એ વિશ્વાસ પર એ ગૅન્ગનો એક મેમ્બર ગયા અઠવાડિયે દાદર સ્ટેશન નજીક નોટો ડિલિવર કરવા માટે આવવાનો હોવાની પાકી માહિતી મળતાં મેં મારા એક મિત્રને સાથે લઈ પોલીસને માહિતી આપી તેને રંગેહાથ પકડીને પોલીસને સોંપ્યો હતો.’
સાયન પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં માત્ર ડિલિવરી કરતા ગૅન્ગના એક મેમ્બરની અમે ધરપકડ કરી છે. આ ગૅન્ગના બીજા સભ્યોની અમે તપાસ કરી રહ્યા છીએ જેના માટે ટૂંક સમયમાં અમારી ટીમ કચ્છ જાય એવી શક્યતા છે. આરોપીએ મુંબઈ, થાણે તેમ જ આસપાસનાં પરાંમાં ઘણા લોકો સાથે આવી છેતરપિંડી કરી હોવાની શક્યતા સામે આવી છે. આરોપી પાસેથી પાંચ લાખ રૂપિયાની ખોટી નોટો જપ્ત કરવામાં આવી છે.’