18 December, 2025 08:15 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
ગણેશ ચવાણ અને તેણે સળગાવી દીધેલી પોતાની કાર.
લાતુરમાં એક વ્યક્તિએ એક કરોડ રૂપિયાના ઇન્શ્યૉરન્સનો લાભ મેળવવા માટે છેતરપિંડી અને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ એક અજાણ્યા પુરુષને કારમાં લિફ્ટ આપ્યા બાદ તેને કાર સાથે જીવતો સળગાવી દીધો હતો. ઇન્શ્યૉરન્સની રકમ મેળવવા માટે તેણે એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરી હતી અને તેની લાશને પોતાની લાશ તરીકે બતાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી ગણેશ ચવાણ એક પ્રાઇવેટ ફાઇનૅન્સ કંપનીમાં ડિસ્ટ્રિક્ટ હેડ તરીકે કામ કરતો હતો. આરોપીને બનાવ બન્યાના ૨૪ કલાકમાં જ લાતુર પોલીસે પકડી પડ્યો હતો.
લાતુર પોલીસે ટેક્નિકલ ઍનૅલિસિસ અને આરોપીની ગર્લફ્રેન્ડ સાથે જોડાયેલા પુરાવાનો ઉપયોગ કરીને કેસ ઉકેલ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીએ મુંબઈ અને લાતુરમાં ફ્લૅટ ખરીદવા માટે કુલ ૯૭ લાખ રૂપિયાની લોન લીધી હતી. રવિવારે રાતે ૧૨.૩૦ વાગ્યે ઔસા-વાનવડા રોડ પર એક કારમાં આગ લાગી હોવાના ખબર પોલીસને મળતાં કેસની તપાસ શરૂ થઈ હતી. પોલીસને કારમાંથી બળી ગયેલું એક માનવ હાડપિંજર મળી આવ્યું હતું.
શનિવારે રાતે ૧૦ વાગ્યે આરોપી એક મિત્રને લૅપટૉપ આપવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પણ પાછો ફર્યો નહોતો એટલે તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કારમાંથી મળેલા મૃતદેહની ઓળખ કરાવતાં હાથમાં પહેરેલા કડા અને કારની નંબરપ્લેટ પરથી પરિવારજનોએ તેની ગણેશ ચવાણ તરીકે ઓળખ કરી હતી, પણ આ કાર બીજા રિલેટિવના નામે હતી. આ ઉપરાંત આરોપીના મોબાઇલ ડેટા પરથી પોલીસને શંકા ગઈ હોવાથી વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસ-તપાસમાં ગણેશની એક ગર્લફ્રેન્ડ હોવાનું પણ સામે આવ્યું હતું. તેની પૂછપરછ કરતાં ગણેશ બીજા મોબાઇલ નંબરથી ગર્લફ્રેન્ડ સાથે ચૅટ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું અને ઘટસ્ફોટ થયો હતો કે તે જીવતો છે. પોલીસે નંબર ટ્રેસ કરીને વિજયદુર્ગથી ગણેશની ધરપકડ કરી હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે તેણે ઇન્શ્યૉરન્સની રકમ મેળવવા માટે આ કાવતરું ઘડ્યું હતું.
કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ?
આરોપીએ પોલીસ સામે કબૂલ્યું હતું કે દારૂના નશામાં રહેલા ગોવિંદ યાદવે તેની પાસે લિફ્ટ માગી હતી. તેણે ગોવિંદને કારમાં બેસાડ્યો હતો. એ પછી એક ઢાબા પર રોકાઈને તેમણે ખાવાનું ખાધું હતું. ખાઈને ગોવિંદ યાદવ કારમાં જ સૂઈ ગયો હતો. ત્યારે આરોપીએ તેને ડ્રાઇવરની સીટ પર ખેંચીને સીટ-બેલ્ટ બાંધી દીધો હતો અને કારની અંદર પેટ્રોલ રેડીને ફ્યુઅલ ટૅન્ક ખોલી દીધી હતી. કાર પર પેટ્રોલ છાંટી આગ લગાવીને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. નશામાં હોવાને કારણે ગોવિંદ બચવાની કોશિશ ન કરી શક્યો હોવાનું પોલીસે નોંધ્યું હતું.