યુવતીને અલગ-અલગ પુરુષો સાથે લગ્ન કરવા દબાણ, ૪ જણની ધરપકડ

09 March, 2026 07:31 AM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

પીડિતાને તેનો પતિ હેરાન કરતો હોવાથી છેલ્લાં બે વર્ષથી તે લાતુરમાં તેનાં માતા-પિતા સાથે રહેતી હતી

પ્રતીકાત્મક તસવીર

લાતુર જિલ્લાની ૨૧ વર્ષની યુવતીની તસ્કરીના સંદર્ભમાં પોલીસે ૪ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા પીડિત મહિલાને ૩ અલગ-અલગ પુરુષો સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું 
હતું અને આરોપીઓ આવું કૃત્ય કરીને કમિશનમાં લાખો રૂપિયા કમાયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ લાતુરના એક ગામમાં શુક્રવારે સાંજે ચોથાં લગ્ન માટે દબાણ કરવામાં આવતાં પીડિતાએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં તુળજાપુર અને પુણેથી પીડિતાના સોદાઓનું આયોજન કરનારી મહિલા અને તેના પતિ સહિત ૪ વ્યક્તિની ધરપકડ કરી છે.

પીડિતાને તેનો પતિ હેરાન કરતો હોવાથી છેલ્લાં બે વર્ષથી તે લાતુરમાં તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. ત્યાં એક મહિલાએ દબાણ કરીને તેને ૧૦ દિવસમાં બે પુરુષો સાથે પરણાવી દીધી હતી. ત્યાર બાદ ૪ માર્ચે તેનાં ત્રીજાં લગ્ન કરાવી દીધાં અને ૬ માર્ચે ફરી બળજબરીપૂર્વક તેનાં ચોથાં લગ્ન કરાવવાનું દબાણ શરૂ કરતાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાની સ્થિતિ ગંભીર હોવાથી તે સારવાર લઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

mumbai news mumbai maharashtra news maharashtra latur sexual crime Crime News