કોરોનાના કેસ વધતાં અહમદનગરના ૬૧ ગામમાં શાળાઓ બંધ, લોકડાઉન લદાયું

05 October, 2021 06:41 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

અહેમદનગર જિલ્લા વહીવટીતંત્રે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 10થી વધુ નવા કોરોના કેસ નોંધાવતા 61 ગામોમાં 10 દિવસનું લોકડાઉન લાદ્યું છે.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

અહેમદનગર જિલ્લા વહીવટીતંત્રે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 10થી વધુ નવા કોરોના કેસ નોંધાવતા 61 ગામોમાં 10 દિવસનું લોકડાઉન લાદ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગામોમાં શાળાઓ બંધ રહેશે જ્યારે જિલ્લામાં અન્યત્ર, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, શાળાઓ સોમવારથી ફરીથી ખોલવામાં આવી છે.

સોમવારે બહાર પાડવામાં આવેલા આદેશમાં, અહમદનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું હતું કે “જિલ્લામાં દરરોજ 500-800 કેસ જોવા મળી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધુ છે. તેથી 10થી વધુ સક્રિય કેસ ધરાવતા ગામમાં સાવચેતીના પગલાં અમલમાં મૂકવા માટે નિર્દેશ બહાર પાડવામાં આવ્યો હતો. પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવતું ન હોવાથી, અમે 11 તહેસીલના 61 ગામોમાં કડક પ્રતિબંધો લાદ્યા છે.

ઓર્ડર મુજબ તમામ દુકાનો - મેડિકલ સ્ટોર્સ, ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક્સ લેબ જેવી આવશ્યક વસ્તુઓને બાદ કરતા - 4 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી બંધ રહેશે, જ્યારે આ ગામોમાં પાંચથી વધુ લોકોના એકત્રીકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ જ ગામમાં પ્રવેશ અને બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ગામો અકોલા, કરજત, કોપરગાંવ, નેવાસા, પારનેર, પાથરડી, રહાતા, સંગમનેર, શેવગાંવ, શ્રીગોંડા અને શ્રીરામપુર તહસીલમાં છે. શિરડીના મંદિર નગરમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, અહમદનગર કલેક્ટર કચેરીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે “અમે રવિવારથી શિરડીમાં લોકડાઉન શરૂ કર્યું છે કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ 14 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.”

રાજ્ય સરકારે 7 ઓક્ટોબરથી તમામ મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો હોવાથી, કલેક્ટર કચેરી શિરડીમાં સાંઈબાબા મંદિર ખોલવું કે નહીં તેના પર પુનર્વિચાર કરી રહી છે. દરમિયાન, રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સોમવારે અહમદનગર જિલ્લા વહીવટીતંત્રને પરીક્ષણ વધારવાની સૂચના આપી હતી.

“જિલ્લામાં કોવિડ-19 કેસોમાં થોડો વધારો થયો છે અને અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જિલ્લા સત્તાવાળાઓને કોવિડ-યોગ્ય વર્તણૂકનું સખત પાલન કરવા ઉપરાંત, પરીક્ષણ અને રસીકરણ વધારવાની સૂચના આપવામાં આવી છે.” તેમ અધિકારીએ ઉમેર્યું હતું.

maharashtra news ahmednagar pune lockdown