21 March, 2026 08:22 AM IST | Mumbai | Varsha Chitaliya
કાંદિવલી-વેસ્ટમાં શતાબ્દી હૉસ્પિટલ પાસે દિવસમાં બે વાર જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડતા રામ રોટી ફાઉન્ડેશનનું કેન્દ્ર હવે ગૅસની અછતનો સામનો કરી રહ્યું છે
LPGની અછતને પગલે ટિફિન-સર્વિસ, ક્લાઉડ-કિચન અને જરૂરિયાતમંદોને નિ:શુલ્ક જમવાનું આપતી સંસ્થાઓની કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે. ઘણાને મેનુમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ઘરઘરાઉ ટિફિન-સર્વિસ આપતા લોકો રાંધણગૅસ માટે દોડાદોડી કરી રહ્યા છે. કામકાજ બંધ થઈ જતાં ઘણાને આર્થિક સંઘર્ષ પણ કરવો પડી રહ્યો છે. આ સંકટ સામે બધા કઈ રીતે લડત આપી રહ્યા છે એ જાણીએ.
છેલ્લાં ૧૧ વર્ષથી કાંદિવલી-વેસ્ટમાં શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ દરદીઓનાં સગાંસંબંધી, OPDમાં રૂટીન ચેકઅપ માટે આવતા પેશન્ટ, સગર્ભા મહિલાઓ, દિવ્યાંગોને નિ:શુલ્ક ભોજન આપતા રામરોટી ફાઉન્ડેશનના સ્વયંસેવકો હાલ સિલિન્ડર માટે દોડધામ કરે છે.
ટીમ-મેમ્બર નયન શેઠે જણાવ્યું હતું કે ‘શતાબ્દી હૉસ્પિટલ પાસે સવારે સાડાઅગિયારથી દોઢ અને સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન અમે એક હજાર લોકોને પૂરીભાજી, ખીચડી અને કેળાં ખવડાવીએ છીએ. વારતહેવારે ફરસાણ અને મીઠાઈ આપવાનો પ્રયાસ પણ કરીએ. આટલા બધા લોકોને જમાડવા માટે રોજ બે સિલિન્ડરની જરૂરિયાત છે. અમારું રસોડું ચાલીમાં હોવાથી ગૅસની પાઇપલાઇન નથી. સિલિન્ડરની અછતને પગલે હૉસ્પિટલની કૅન્ટીન અને આજુબાજુના ખાણીપીણીના સ્ટૉલ બંધ થઈ ગયા છે. જો અમે પણ રસોડું બંધ કરી દઈએ તો આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં ખાશે? ઉપાધિ તો છે પણ શું કરીએ? ૯૦૦૦ રૂપિયાની એક સગડી અમને પરવડે નહીં. ૩૦ જણની ટીમ હાલ અલગ-અલગ જગ્યાએથી વ્યવસ્થા કરી રહી છે. જે લોકોને ગૅસ વધુ ચાલતો હોય તેઓ અમને આપે એવી અપીલ કરી છે. ૪ દિવસ રસોડું ચાલે એટલી વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યાર બાદ રામરોટીનું રસોડું પ્રભુ શ્રીરામ ચલાવશે એવો ભરોસો રાખ્યા સિવાય કંઈ કરી શકાય એમ નથી.’
મુલુંડમાં શ્રી નિમેષ તન્ના ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ ૧૬૦ નિરાધાર વ્યક્તિઓને ટિફિન પહોંચાડવામાં આવે છે અને હવે તેઓ પણ ગૅસની અછતનો સામનો કરી રહ્યા છે
શ્રી નિમેશ તન્ના ચૅરિટેબલ ટ્રસ્ટ હેઠળ મુલુંડમાં એકલા રહેતા સિનિયર સિટિઝનો અને નિરાધારોને ટિફિન પહોંચાડવામાં આવે છે. સેવાનું કાર્ય કરતા આ ટ્રસ્ટે પણ સિલિન્ડર માટે અપીલ કરી છે. ટ્રસ્ટનાં સંસ્થાપક દમયંતી તન્નાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રોજ ૧૬૦ ફુલ ટિફિન જાય છે. દાળ-ભાત, શાક-રોટલી સહિત પાંચ ડબ્બા ભરવાના હોય. સિલિન્ડરની અછતને પગલે થોડો ફેરફાર કર્યો છે. રસાવાળું શાક અને કઠોળ રોટલી અને ભાત બન્ને સાથે ખાઈ શકાય એટલે દાળ સ્કિપ કરીને દહીં અને છાશ ઍડ કર્યાં. ગૅસનો વપરાશ ઘટાડવા એકાદ વાર રોટલીને બદલે મિસળ-પાંઉ આપ્યાં. સવારે એક વાર ટિફિન આપીએ, પણ બે ટંક ચાલે એટલું હોય. જરૂરિયાતમંદોનાં ટિફિન સાવ બંધ ન કરાય. અમારી સંસ્થા સાથે ઘણા લોકો જોડાયેલા છે. જેમના ઘરે ગૅસનો બાટલો દોઢ-બે મહિના ચાલતો હોય એવા નાના પરિવારો પાસેથી સિલિન્ડરની વ્યવસ્થા થઈ જાય છે. અત્યારે ૬ દિવસ ચાલે એટલો સ્ટૉક છે. આગળ ભગવાન ભરોસે ચાલશે. કોરોનામાંથી બહાર નીકળી ગયા એમ આ સ્થિતિમાંથી પણ આપણે હેમખેમ પાર ઊતરી જઈશું.’
નાલાસોપારામાં મોદી કેટરર્સ નામથી ટિફિન-સર્વિસ ચલાવતા સંદીપ મોદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કામકાજ સારું ચાલે છે એટલે અમારી પાસે રાંધણગૅસ ઉપરાંત કમર્શિયલ ગૅસ પણ છે. ૩૦૦૦ રૂપિયા આપવા છતાં સિલિન્ડર મળતાં નથી. ગૅસવાળાને પૂછીએ તો ૧૫ દિવસે આવશે એવો જવાબ મળે છે. હું અને મારી પત્ની શોભના અત્યારે સાવ નવરાં પડી ગયાં છીએ. દરરોજનાં ૧૨ ટિફિન બાંધેલાં હતાં. એ સિવાય ત્રણથી ૪ ટિફિનનો છૂટક ઑર્ડર હોય. થેપલાં, લાડવા, જલેબી, ફાફડા, ફૅમિલી-ફંક્શન વગેરેના ઑર્ડર પણ સારા મળતા. અમારી અઠવાડિયે એક સિલિન્ડરની જરૂરિયાત છે. સિલિન્ડર ક્યારે મળશે એનાં ઠેકાણાં નથી. નવા ઑર્ડર લેવાનું ક્યારનું બંધ કરી દીધું. હવે માસિક ધોરણે બાંધેલાં ટિફિન પણ બંધ કરવા પડ્યાં. ઘરનો ગૅસ ટિફિન બનાવવામાં વાપરી નાખીએ તો અમારા પરિવારની રસોઈ કેમ બનશે. એ પણ ગમે ત્યારે ખતમ થવાનો છે. બધાને કહી દીધું છે કે ૧૫ દિવસ જાતે વ્યવસ્થા કરી લો.’
ઘાટકોપરમાં જય માતાજી ટિફિન-સર્વિસ ચલાવતાં હેતલ પંડ્યાનું કામકાજ પણ સિલિન્ડરની અછતને પગલે અટકી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે ‘૩ વર્ષથી છૂટક ઑર્ડર લઉં છું. સામાન્ય રીતે મારા ક્લાયન્ટ્સ ૩ દિવસથી લઈને અઠવાડિયા માટે ટિફિન મગાવતા હોય છે. કોઈ બીમાર હોય, ઘરમાં સિનિયર સિટિઝન એકલા હોય, મહિલા સભ્યને બહાર જવાનું હોય એવા ઑર્ડર આવે. ટિફિન ઉપરાંત ગેટ-ટુગેધર અને કૉર્પોરેટ ઇવેન્ટ્સમાં સ્નૅક્સ-બૉક્સ સપ્લાય કરું છું. સર્વિસનો વિસ્તાર ઘાટકોપર પૂરતો મર્યાદિત રાખ્યો છે એટલે થોડા દિવસ વાંધો ન આવ્યો પણ હવે ના પાડવી પડે છે. ઇન્ડક્શન લઈ આવ્યા છીએ. એમાં બીજી રસોઈ થઈ જાય, પણ રોટલી નથી થતી. ગુજરાતી ટિફિનમાં રોટલી, ભાખરી, બાજરાનો રોટલો વગેરે મૂકવાં પડે. એમાં ગૅસ વધુ વપરાય. સિલિન્ડરની ગાડીવાળાનું કહેવું છે કે ૨૭ માર્ચ સુધી રાહ જુઓ. ટિફિનની રોટલી, ભાખરી કરું તો સિલિન્ડર જલદી ખલાસ થઈ જાય, પછી ઘરની રસોઈનું શું? મિત્રવર્તુળમાંથી કામ મળે છે એટલે ના પાડવામાં સંકોચ થાય છતાં બધાને કહી દીધું છે કે સિલિન્ડર આવશે એટલે સામેથી જણાવીશ.’
મલાડ સ્થિત પાર્થ કેટરર્સનાં મધુ લાખાણી રોજનાં ૧૦ ટિફિન બનાવે છે. હસબન્ડ ભરતભાઈ કામકાજમાં મદદરૂપ થાય. હાલમાં તેમનું ગાડું ચાલી રહ્યું છે પણ ક્યારે અટકી જાય નક્કી નથી. મધુબહેને જણાવ્યું હતું કે ‘અમે બન્ને રસોડામાં વ્યસ્ત રહીએ. અમારા ક્લાયન્ટ્સ એવા છે જે ઑફિસ જતી વખતે અથવા રાતે ઘરે આવતી વખતે ટિફિન લઈ જાય. સિનિયર સિટિઝનનાં ટિફિન પણ છે. રાંધણગૅસ એક મહિનો ચાલે છે. યુદ્ધ શરૂ થયું અને ગૅસની અછત સર્જાઈ ત્યારે એક અધૂરું સિલિન્ડિર અને એક ભરેલું હતું એમાં હજી સુધી કામ ચાલે છે. જોકે હવે ગમે ત્યારે સિલિન્ડર ખલાસ થઈ જાય એમ છે. ઑનલાઇન બુકિંગ થતું નથી. પચીસ દિવસનું વેઇટિંગ બતાવે છે. અમે ટિફિનના ભાવ વધાર્યા નથી એટલે બ્લૅકમાં સિલિન્ડર લેવા માટે ૨૦૦૦ રૂપિયા આપવા અમને ન પોસાય. યુદ્ધ શાંત થાય અને પરિસ્થિતિ થાળે પડે તો મધ્યમવર્ગને રાહત થાય. ટિફિન-સર્વિસની આવકમાંથી ઘરનું ભાડું નીકળે છે. આર્થિક ફટકો પડશે એની ચિંતા થાય છે. જોકે ક્લાયન્ટ્સને તકલીફ નહીં થાય. તેઓ ઑફિસમાં ખાઈ લેશે.’