મુંબઈમાં ચૂંટણી વખતે હવે મતદાન કેન્દ્રોમાં ઓછી લાઇન જોવા મળશે

21 September, 2024 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઉન અને સબર્બ્સમાં ૨૧૮ મતદાન કેન્દ્રનો વધારો કરવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીમાં મતદાન કરવામાં લોકોને થતી સમસ્યા સંબંધે કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશનને સુધારો કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુંબઈ જેવા ગીચ શહેરમાં મતદાન કેન્દ્રમાં વધુ મતદારો હોવાથી ઘણી વાર ચૂંટણી વખતે કેટલીક જગ્યાએ લાંબી લાઇનો લાગે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાંચ મહિના પહેલાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર ઇલેક્શન કમિશને મુંબઈમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આથી પહેલાં ૯૮૯૩ મતદાન કેન્દ્ર હતાં એમાં ૨૧૮ નવાં મતદાન કેન્દ્રનો વધારો કરવામાં આવ્યો છે. આથી મુંબઈ ટાઉન (શહેર) અને સબર્બ્સમાં હવે કુલ ૧૦,૧૧૧ મતદાન કેન્દ્ર હશે. મતદાન કેન્દ્રની સંખ્યામાં વધારો થવાથી હવે જ્યાં પહેલાં એક મતદાન કેન્દ્રમાં ૧૫૦૦ જેટલા સરેરાશ મતદાર હતા એમાં ઘટાડો થઈને ૧૨૦૦ જેટલા મતદાર હશે. મતદાન કેન્દ્રોમાં મતદારોની સંખ્યા ઓછી થવાથી લાઇન લાગવાની સમસ્યામાં રાહત મળશે એવો દાવો મહારાષ્ટ્ર ઇલેક્શન કમિશને કર્યો છે.

મુંબઈ ટાઉન અને સબર્બ્સમાં ૨૧૮ નવાં મતદાર કેન્દ્રોના વધારા સાથે હવે ટાઉનમાં ૨૫૩૭ મતદાન કેન્દ્ર અને સબર્બ્સમાં ૭૫૭૪ મતદાન કેન્દ્ર થયાં છે. નવાં મતદાન કેન્દ્રોની માહિતી મતદારોને આપવા માટે ઇલેક્શન કમિશન દ્વારા ‘તમારું મતદાન કેન્દ્ર જાણી લો’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એમાં મતદાર નોંધણી અધિકારી લોકોને ઘરે જઈને માહિતી આપશે. આ ઉપરાંત જે વિસ્તારમાં મતદાન કેન્દ્રોમાં ફેરફાર કે વધારો કરવામાં આવ્યો છે ત્યાંના રહેવાસીઓને પત્ર લખીને જાણ કરવામાં આવશે.

હૅપી ખડ્ડે... ડોમ્બિવલીકરોએ આપી વિધાનસભ્યને વિચિત્ર શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીના ડોમ્બિવલીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર સરકારના સાર્વજનિક બાંધકામપ્રધાન રવીન્દ્ર ચવાણનો ગઈ કાલે બર્થ-ડે હતો. પાર્ટીના કાર્યકરોએ રવીન્દ્ર ચવાણને શુભેચ્છા આપતાં બૅનરો ઠેકઠેકાણે લગાવ્યાં હતાં તો પોતાના વિસ્તારના પ્રધાન હોવા છતાં રસ્તાના ખાડા પૂરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે એટલે પરેશાન ડોમ્બિવલીકરોએ ખાડાવાળા રસ્તાના ફોટો સાથે ‘હૅપી ખડ્ડે’ લખેલાં બૅનરો લગાવીને અનોખી રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai news mumbai maharashtra assembly election 2024 political news maharashtra news