વડા પ્રધાનની અપીલને પગલે દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યાં કરકસરનાં પગલાં

14 May, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકલ ટ્રેન કે બસમાં કોઈ મિનિસ્ટર તમારી સાથે મુસાફરી કરતા દેખાય તો નવાઈ નહીં- પ્રધાનોના કાફલામાં હવે અડધાં જ વ્હીકલ, વિમાનનો ઉપયોગ ઇમર્જન્સીમાં જ કરવાનો રહેશે

દેવેન્દ્ર ફડણવીસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ઈંધણ અને વિદેશી હૂંડિયામણ બચાવવા કરેલી અપીલને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટા નિર્ણયો લીધા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જાહેરાત કરી હતી કે હવેથી રાજ્યના પ્રધાનોના કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દેવામાં આવશે અને સરકારી અધિકારીઓ કે પ્રધાનોના વિદેશપ્રવાસો રદ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન સહિત તમામ કૅબિનેટ પ્રધાનોના કાફલામાં વાહનોની સંખ્યા તાત્કાલિક અસરથી ૫૦ ટકા ઘટાડી દેવામાં આવી છે. રાષ્ટ્રનિર્માણ માટે ગઈ કાલની મીટિંગમાં લેવાયેલા આ નિર્ણય બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના કાફલામાં ખૂબ ઓછી કાર રાખીને પ્રવાસ કર્યો હતો.

સરકાર પોતે આ નિયમો ફૉલો કરશે
 

પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ મુંબઈ મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો ઉપયોગ વધારે અને શરૂઆતના તબક્કામાં અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે.
 જિલ્લા-પ્રવાસ દરમ્યાન પ્રધાનોના કાફલામાં વાહનોની સંખ્યા નક્કી કરેલી મર્યાદાથી વધવી જોઈએ નહીં. આ નિયમના પાલનની જવાબદારી જે-તે વિસ્તારના પોલીસ-કમિશનર કે સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP)ની રહેશે.
 પ્રધાનો અને વહીવટી તંત્રના આગામી તમામ વિદેશપ્રવાસો હાલ પૂરતા રદ કરી દેવામાં આવ્યા છે. જરૂરી ન હોય કે ઇમર્જન્સી ન હોય તો વિમાનપ્રવાસ કરવો નહીં.
 બ્યુરોક્રૅટ્સને મુસાફરી ટાળવા અને મોટા ભાગની સત્તાવાર બેઠકો વિડિયો-કૉન્ફરન્સ દ્વારા યોજવા સૂચના અપાઈ છે.
 જ્યાં સુધી અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી સરકારી વિમાન કે હેલિકૉપ્ટરનો ઉપયોગ ટાળવો અને શેડ્યુલ્ડ કમર્શિયલ ફ્લાઇટ્સને પ્રાથમિકતા આપવી.
 ઈંધણ ઉપરાંત વીજળી બચાવવા માટે પણ મહારાષ્ટ્ર સરકાર સક્રિય થઈ છે. રાજ્યમાં બિનજરૂરી હોર્ડિંગ્સ અને ફ્લેક્સ-બોર્ડ્સ સામે કાર્યવાહી તેજ કરવામાં આવશે અને એના પર સુશોભન માટે વપરાતી લાઇટો બંધ રાખવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.

mumbai news mumbai maharashtra government maharashtra maharashtra news devendra fadnavis indian government