મહારાષ્ટ્રનાં ૫૦૦ પ્રાચીન મંદિરો, ૬૦ કિલ્લા અને ૧૮૦૦ વાવની થશે જાળવણી

18 October, 2025 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સરકારના નવા પ્લાન હેઠળ સાંસ્કૃતિક સ્થાપત્યોના કન્ઝર્વેશન અને રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવશે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન શરૂ કર્યો છે. સાંસ્કૃતિકપ્રધાન આશિષ શેલારે રાજ્યનાં ૫૦૦ મંદિરો, ૬૦ કિલ્લાઓ અને ૧૮૦૦ વાવના કન્ઝર્વેશન અને રીસ્ટોરેશન માટે વિગતવાર રોડમૅપ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પ્લાનનો ઉદ્દેશ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને રીસ્ટોરેશન સાથે ત્યાંના ટૂરિઝમને વેગ આપવાનો પણ છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ કરવામાં આવશે. પુરાતત્ત્વ વિભાગ આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે.

આશિષ શેલારના અધ્યક્ષપદે મંત્રાલય ખાતે રાજ્યનાં મંદિરો, કિલ્લાઓ અને વારસાના સંરક્ષણ માટે રિવ્યુ મીટિંગ યોજાઈ હતી. એમાં આશિષ શેલારે નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય દ્વારા સંરક્ષિત સ્મારકોની સાથે ૩૫૦ બિનસંરક્ષિત કિલ્લાઓનો પણ પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે. પ્લાનની કામગીરી માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ વિશે પણ વિચારણા કરવામાં આવશે.

આ પ્લાનનો ચોક્કસ અમલ થાય એ માટે ઇતિહાસ, આર્કિટેક્ચર, આર્કિયોલૉજી અને મૅનેજમેન્ટ ક્ષેત્રોના નિષ્ણાતોને સામેલ કરવામાં આવશે. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ની સ્થાપના કરવામાં આવશે અને ઓપન રિક્રૂટમેન્ટ દ્વારા ૪ અધિકારીઓની કૉન્ટ્રૅક્ટ પર નિમણૂક કરવામાં આવશે. આ પ્રોજેક્ટની દેખરેખ માટે સ્પેશ્યલ સમિતિની રચના ૧૫ ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે.

maharashtra news maharashtra mumbai mumbai news culture news maharashtra government