13 September, 2025 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આધુનિક સમયમાં હવે ગુનેગારીનું સ્વરૂપ બદલાયું છે અને પોલીસ સામે પણ ગુનાનો ઉકેલ લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. એથી પોલીસતપાસમાં પણ નવા-નવા ફેરફાર કરવાનું જરૂરી હતું. એથી હવે તપાસમાં ઝડપ લાવવા મોબાઇલ ફૉરેન્સિક લૅબની સુવિધા રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે. આવી કુલ ૫૯ લૅબ રાજ્યભરમાં કાર્યરત થઈ ગઈ છે.
મુંબઈમાં ઈસ્ટ ઝોનમાં ચેમ્બુર, વેસ્ટ ઝોનમાં બાંદરા, નૉર્થ ઝોનમાં કાંદિવલી અને સાઉથ ઝોનમાં નાગપાડા પોલીસ-સ્ટેશનને મોબાઇલ ફૉરેન્સિક લૅબ ફાળવવામાં આવી છે. પહેલાં મોટા ભાગે નજરે જોનારા સાક્ષી અને સાક્ષીના સ્ટેટમેન્ટ પર વધુ આધાર રાખવામાં આવતો હતો. DNA ટેસ્ટિંગ અને અન્ય સાયન્ટિફિક ટેસ્ટ ઓછી થતી હતી. હવે મોબાઇલ ફૉરેન્સિક લૅબ વૅનને કારણે બાયો-કેમિકલ, કેમિકલ, બાયોલૉજિકલની સાથે ફિઝિકલ અને ડિજિટલ પુરાવા મેળવવામાં પણ સહાય થશે. કેસની પ્રૉપર તપાસ અને ઉકેલ માટે એ ઉપયોગી થઈ પડશે.