14 August, 2026 01:12 PM IST | Amravati | Gujarati Mid-day Correspondent
AI ઇમેજ
મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીમાં આવેલ એક આશ્રમશાળામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે અહીંની એક હોસ્ટેલમાંથી ૬૦૮ જેટલા સ્ટુડન્ટ્સ પોતાને ઘેર ભાગી ગયા હતા અને એનું કારણ હતું ભૂત-પ્રેત! હા, આજના વૈજ્ઞાનિક જમાનામાં માન્યામાં ન આવે તેવો કિસ્સો ચિખલદારા તહસીલમાં આવેલી `ડોમા સરકારી આશ્રમશાળા`માં બન્યો છે. આ ગર્વમેન્ટ બોર્ડિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સ વચ્ચે એવી અફવા અને ડર ફેલાઈ ગયો હતો કે હોસ્ટેલમાં ભૂત-પ્રેત કે પછી કોઈ અલૌકિક શક્તિ છે.
રિપોર્ટ્સ અનુસાર હોસ્ટેલ (Maharashtra)માં રહેતી અમૂક વિદ્યાર્થિનીઓએ રાતના સમયે અચાનકથી ઝાંઝરનો રણકાર સંભળાયો હતો. એટલું જ નહીં કોઈકના રુદનનો અવાજ તો ક્યારેક કોઈકના ખડખડાટ હસવાનો અવાજ પણ આવી રહ્યો હતો. હવે રાતના સમયે આ પ્રકારનો અનુભવ થતાં વિદ્યાર્થિનીઓને તો આંખે તારા આવી ગયા. તેઓએ આ વાત બીજા સાથી મિત્રોને પણ કરી. અને પછી તો આખી હોસ્ટેલમાં ભૂત-પ્રેત હોવાની વાતો વાયુવેગે ફેલાઈ ગઈ. બધા જ સ્ટુડન્ટ્સ માટે હવે અહીં રાત વિતાવવી ભારે થઈ પડી સૌ એ હદે ડરી ગયા. અને એ જ કારણોસર અહીં રહેતા ૨૬૩ છોકરાઓ અને ૩૪૫ છોકરીઓ મળીને કુલ ૬૦૮ વિદ્યાર્થીઓએ બધાએ હોસ્ટેલ છોડીને પોતાના ઘર તરફની વાટ પકડી લીધી હતી.
જોકે, આ મામલો પ્રશાસનના (Maharashtra) ધ્યાનમાં આવ્યો ત્યારે આ મામલાની ગંભીરતાને લઇને તાકીદે એક્શન લેવામાં આવી હતી. શાળાના હેડમાસ્ટર સંજય ચૌધરી જણાવે છે કે જે સ્ટુડન્ટ્સને રાતના સમયે વિચિત્ર અવાજો આવ્યા હતા, તે તમામને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સાઈકિયાટ્રિસ્ટ પાસે તપાસ કરાવવામાં આવી હતી. તપાસ બાદ ડોકટરોએ જણાવ્યું કે આ લક્ષણો `સીવિયર હિસ્ટિરીયા`ના હોય શકે છે.
હિસ્ટિરીયા (Hysteria) એ મેન્ટલ કન્ડિશન છે. જેમાં વ્યક્તિ તીવ્ર મેન્ટલ પ્રેશર, ડર કે ઈમોશનલ પ્રેશરને કારણે અજીબ વર્તન કરે છે. જોકે તેની પાછળ કોઈ શારીરિક બીમારી કે તબીબી કારણ હોતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ કે ગ્રુપ ખૂબ વધારે મેન્ટલ પ્રેશરને કારણે અથવા ભયને કારણે પરેશાન હોય છે ત્યારે તેના વર્તનમાં પણ ફેરફાર થવા લાગે છે. અમરાવતીની હોસ્ટેલમાં અમુક વિદ્યાર્થિનીઓ સાથે પણ આવું જ બન્યું હોવાનું ડોકટરોએ તપાસમાં કહ્યું હતું.
જોકે, તાલુકા આરોગ્ય અધિકારી (Maharashtra)એ ચોખવટ કરતાં કહ્યું કે આ સમગ્ર કિસ્સો થયો તેની પાછળ ભૂત-પ્રેત કે કોઈ અલૌકિક શક્તિનો કોઈ જ સંબંધ નથી. આ ફક્ત ને ફક્ત માનસિક સ્વાસ્થ્ય અને સામૂહિક ડર સાથે જોડાયેલી બાબત છે તેથી સ્ટુડન્ટ્સનાં પેરન્ટ્સને કોઈ ચિંતા કરવા જેવી નથી. જોકે, વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયેલા ડરને દૂર કરવા માટે શાળા પ્રશાસન, આરોગ્ય વિભાગ અને `મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ`ની ટીમ મેદાનમાં ઉતરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.