✕

જંગલી પ્રાણીઓના હુમલા અટકાવવા હવે સ્પેશ્યલ સ્ક્વૉડ બનાવવામાં આ‍વશે

02 November, 2026 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જંગલની જમીન પર શહેરીકરણના વિસ્તરણને કારણે ઉદ્ભવતા માનવ-પ્રાણી સંઘર્ષના ઉકેલરૂપે રાજ્ય સરકારે રૅપિડ રિસ્પૉન્સ ટીમ (RRT) તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.

પ્રતીકાત્મક તસવીર

જંગલની જમીન પર શહેરીકરણના વિસ્તરણને કારણે ઉદ્ભવતા માનવ-પ્રાણી સંઘર્ષના ઉકેલરૂપે રાજ્ય સરકારે રૅપિડ રિસ્પૉન્સ ટીમ (RRT) તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ ટીમો ટ્રાન્ક્વિલાઇઝર ગન (જંગલી પ્રાણીઓને બેભાન કરવાની બંદૂકો) અને પાંજરાથી સજ્જ હશે, જેનો હેતુ પ્રાણીઓને માનવ-વસાહતોમાં પ્રવેશતાં અટકાવવાનો અને એમને પાછાં જંગલમાં ખદેડવાનો છે. વનવિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવનારી આ યોજનાને આ અઠવાડિયાની શરૂઆતમાં સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
તાજેતરમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR), પુણે જિલ્લાનો જુન્નર તાલુકો અને ચંદ્રપુર જિલ્લાના કેટલાક વિસ્તારો (જ્યાં વાઘ અનામત ક્ષેત્રો આવેલાં છે) માનવ-પ્રાણી સંઘર્ષનાં મુખ્ય કેન્દ્રો બની રહ્યા છે. સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ના દીપડાઓ અવારનવાર મુંબઈ, થાણે અને મીરા-ભાઈંદરની માનવ-વસાહતોમાં ઘૂસી આવે છે. જુન્નરમાં દીપડાઓ શેરડીનાં ખેતરોમાં આવી ચડે છે અને એમણે મનુષ્યો પર હુમલા પણ કર્યા છે, જ્યારે ચંદ્રપુરમાં વાઘ દ્વારા મનુષ્યો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ખાણકામ અને શહેરી વિસ્તરણ જંગલની વિશાળ જમીનોને કવર કરી રહ્યાં છે. પર્યાવરણવાદીઓ અને વન્યજીવ કાર્યકરોનું માનવું છે કે વન્યજીવો ત્યારે જ માનવ-વસાહતોમાં ભટકી આવે છે જ્યારે એમનું કુદરતી રહેઠાણ છીનવાઈ જાય છે. વનવિભાગના આંકડા મુજબ ૨૦૨૦-’૨૧થી ૨૦૨૫-’૨૬ દરમ્યાન રાજ્યભરમાં માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં ૫૦૧ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૪૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત આવા હુમલાઓમાં ૩૦,૦૦૦થી વધુ પશુઓ પણ માર્યા ગયાં હોવાનું નોંધાયું છે. પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ એમ. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે ‘રાજ્યના દરેક વિભાગમાં આવી રૅપિડ રિસ્પૉન્સ ટીમ તહેનાત કરવામાં આવશે. આ ટીમોમાં પશુચિકિત્સક અધિકારીનો પણ સમાવેશ થશે. આ ટીમો પાસે ટ્રાન્ક્વિલાઇઝર ગન અને પાંજરાં હશે, જેના દ્વારા વાઘ કે દીપડાને પકડીને જંગલના ઊંડાણવાળા વિસ્તારોમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવશે.’

mumbai news mumbai wildlife maharashtra government maharashtra news maharashtra