પૂરગ્રસ્ત ખેડૂતો માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના વધારાના નાણાકીય પૅકેજની જાહેરાત

29 October, 2025 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખીને વિકસિત મહારાષ્ટ્ર-૨૦૪૭ના વિઝન ડૉક્યુમેન્ટને કૅબિનેટની મંજૂરી

ખેડૂતોની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવી માગણી સાથે પ્રહાર જનશક્તિ પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોએ ગઈ કાલે નાગપુર-હૈદરાબાદ નૅશનલ હાઇવે બ્લૉક કર્યો હતો અને મોડી રાત સુધી તેઓ હટ્યા નહોતા.

અગાઉ જાહેર કરેલા ૮૦૦૦ કરોડ રૂપિયાના ફન્ડમાંથી ૪૦ લાખ જેટલા ખેડૂતોને સહાય પહોંચાડી દેવાઈ

મહારાષ્ટ્ર કૅબિનેટે મંગળવારે ‘વિકસિત મહારાષ્ટ્ર-૨૦૪૭’ માટેના વિઝન ડૉક્યુમેન્ટ અને એના અમલીકરણ માટે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતા હેઠળ વિઝન મૅનેજમેન્ટ યુનિટ (VMU)ને મંજૂરી આપી છે. સરકારે વિકસિત મહારાષ્ટ્ર-૨૦૪૭ વિશે નાગરિકોનાં મંતવ્યો, સૂચનો અને પ્રાથમિકતાઓ જાણવા માટે રાજ્યમાં સર્વે હાથ ધર્યો હતો જેના આધારે VMUની સ્થાપનાને મંજૂરી આપી છે. વિઝન ડૉક્યુમેન્ટ મુજબ દેશની સ્વતંત્રતાના શતાબ્દીવર્ષ ૨૦૪૭ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના વધારાના નાણાકીય પૅકેજને મંજૂરી આપી છે. કૅબિનેટની બેઠક બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે આગામી ૧૫ દિવસમાં આ રકમ સીધી ખેડૂતોના બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ જાહેર કરેલા ૮૦૦૦ કરોડ રૂપિયાના ફન્ડમાંથી અત્યાર સુધીમાં લગભગ ૪૦ લાખ ખેડૂતોને સહાય પહોંચાડી દેવાઈ છે એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. બેઠકમાં પૂરગ્રસ્ત ખેડૂતો અને નાગરિકોને આર્થિક સહાય પહોંચાડવામાં મોડું થવાથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra marathwada nagpur