07 August, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકાર દ્વારા હોમિયોપૅથિક મેડિસિન પ્રૅક્ટિસ કરનારા ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)માં રજિસ્ટર કરી તેમને ઍલોપૅથિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની પરવાનગી અપાતાં ધ મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) દ્વારા બેમુદત હડતાળ પાડવામાં આવી હતી એનો ગઈ કાલે અંત આવ્યો હતો. આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટના અૅક્ટિંગ ચીફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલી અપીલનો આદર કરીને અમે અમારા આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે એમ MARD અને ઇન્ડિયન મેડિકલ અસોસિએશન-મહારાષ્ટ્ર સ્ટેટ દ્વારા જાહેર કરાયું હતું. એથી આંદોલનમાં ભાગ લઈ રહેલા તમામ ડૉક્ટરોને ફરી કામ પર ચડવાનું આહ્વાન કરાયું હતું.
જોકે બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ૨૦૨૬ની ૩ ઑગસ્ટના સરકારી ઠરાવનો તાત્કાલિક અમલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. એ મુજબ એક વર્ષનો સર્ટિફિકેશન કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી (CCMP) કરનારા હોમિયોપથી ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)માં રજિસ્ટર કરવા માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર નક્કી કરવા એક કમિટી બનાવવામાં આવે જેમાં રેસિડન્ટ ડૉક્ટરો અને ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પ્રતિનિધિઓનો પણ સમાવેશ હોય.
વધુમાં કોર્ટે નિર્દેશ આપ્યો છે કે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં મહારાષ્ટ્ર હોમિયોપથી ગ્રૅજ્યુએટ્સના રજિસ્ટ્રેશન માટેના કાયદા સંબંધિત પેન્ડિંગ અરજીની ૧૩ અને ૧૪ ઑગસ્ટે દૈનિક ધોરણે સુનાવણી કરવામાં આવે અને અેનો વહેલી તકે નિકાલ કરવામાં આવે.