✕

મહારાષ્ટ્રના ૭ કરોડ ફ્લૅટધારકોને મળશે વર્ટિકલ પ્રૉપર્ટી કાર્ડ, ડ્રાફ્ટ નિયમો જાહેર

27 November, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭/૧૨ના ઉતારાની જેમ ફ્લૅટ અને બિલ્ડિંગના કૉમન એરિયાના માલિકી હકનો ડિજિટલ રેકૉર્ડ બનશે, ૩૦ દિવસમાં નાગરિકો પાસેથી સૂચનો મગાવાયાં.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના અંદાજે સાત કરોડ ફ્લૅટધારકોના મિલકત સંબંધિત અધિકારોને મજબૂત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં વર્ટિકલ પ્રૉપર્ટી કાર્ડ રજૂ કરવાની જાહેરાત કરી છે. પરંપરાગત ૭/૧૨ના જમીનના ઉતારાની તર્જ પર તૈયાર થનારી આ પહેલ હેઠળ દરેક ફ્લૅટધારકને ફ્લૅટના વ્યક્તિગત કાનૂની માલિકી હકની સાથે બિલ્ડિંગના કૉમન એરિયા પરના અધિકારોનો પણ સત્તાવાર દસ્તાવેજી રેકૉર્ડ મળશે.

મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે જનતાનાં સૂચનો અને વાંધા મગાવવા માટે ડ્રાફ્ટ નિયમો મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. નાગરિકો અને નિષ્ણાતોને ૩૦ દિવસમાં પોતાનાં સૂચનો અને વાંધા રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકાર આગામી બે મહિનામાં આ નિયમોને અંતિમ સ્વરૂપ આપીને સમગ્ર મહારાષ્ટ્રમાં આ યોજના લાગુ કરવાનું આયોજન ધરાવે છે. આ ડિજિટાઇઝ્ડ સિસ્ટમમાં મિલકત પરની લોન, બાકી લેણાં અને કાનૂની નિયંત્રણોની વિગતો પણ નોંધવામાં આવશે.

સૂચિત માળખા હેઠળ શહેરી વિસ્તારોની ઇમારતો માટે D1 અને D2 એમ બે અલગ-અલગ ફૉર્મૅટ રજૂ કરવામાં આવશે. D1 રેકૉર્ડમાં મૂળ જમીનમાલિક, જમીન, મંજૂર થયેલા બિલ્ડિંગ પ્લાન, ખુલ્લી જગ્યાઓ, રસ્તાઓ અને કૉમન એરિયાની વિગતો હશે, જેમાં સહિયારી જગ્યાઓ પરના તમામ ફ્લૅટધારકોના અધિકારોની યોગ્ય રીતે નોંધણી કરવામાં આવશે. જ્યારે D2 રેકૉર્ડમાં ફ્લૅટધારકનું નામ, ફ્લૅટ-નંબર, લાગુ પડતો હોય એ મુજબ મંજૂર કાર્પેટ કે બિલ્ટ-અપ એરિયા અને એની સાથે સંકળાયેલા માલિકી હક સહિતની વ્યક્તિગત વિગતો જાળવવામાં આવશે.

mumbai maharashtra government homeland news mumbai news