30 October, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બોરીવલીમાંથી ગોપાલ શેટ્ટીએ ઉમેદવારી નોંધાવી હતી અને અતુલ શાહે બળવો કરવાનું માંડી વાળ્યું હતું. વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માનાં પત્ની સ્વીકૃતિ શર્માએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
મુમ્બાદેવીથી અતુલ શાહે પક્ષશ્રેષ્ઠીઓ સાથે વાત કર્યા બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું, જ્યારે બોરીવલીથી જાહેરાત મુજબ ગોપાલ શેટ્ટી ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્શન લડશેઃ મીરા-ભાઈંદરમાં પણ ગીતા જૈનને મહાયુતિએ ટિકિટ ન આપતાં તેઓ ફરી એક વાર અપક્ષ તરીકે મેદાનમાં ઊતર્યાં
ચૂંટણીનું ફૉર્મ ભરવાના ગઈ કાલના છેલ્લા દિવસે બોરીવલી, મુમ્બાદેવી, મીરા-ભાઈંદર, અંધેરી-ઈસ્ટ અને ઓવળા-માજીવાડાની બેઠક પર બળવો થવાનાં એંધાણની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) મુમ્બાદેવી અને ઓવળા-માજીવાડા બેઠક પર અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરનારા બન્ને ઉમેદવાર અતુલ શાહ અને હસમુખ ગેહલોતને મનાવવામાં સફળ રહી હતી, પણ બોરીવલીની બેઠક પર પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ શેટ્ટીને પાર્ટી મનાવી ન શકતાં તેમણે સમર્થકોની સાથે ફૉર્મ ભર્યું હતું, જ્યારે મીરા-ભાઈંદરની બેઠક પર ગીતા જૈનને મહાયુતિમાંથી ટિકિટ ન મળતાં તેઓ ફરી એક વાર અપક્ષ તરીકે ઇલેક્શન લડી રહ્યાં છે. અંધેરી-ઈસ્ટની બેઠક પર BJPના મુરજી પટેલને શિવસેનાએ ટિકિટ આપતાં નારાજ થઈ ગયેલા વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માનાં પત્ની સ્વીકૃતિ શર્માએ અપક્ષ તરીકે ઇલેક્શનના મેદાનમાં ઝંપલાવ્યું છે.
સોમવારે BJPએ બહાર પાડેલા લિસ્ટમાં બોરીવલીની બેઠક પર વિલે પાર્લેથી આવેલા સંજય ઉપાધ્યાયને ટિકિટ જાહેર કરતાં ગોપાલ શેટ્ટીએ નારાજગી વ્યક્ત કરીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને એ મુજબ જ ગઈ કાલે તેમણે ફૉર્મ પણ ભર્યું હતું. ફૉર્મ ભર્યા બાદ તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચૂંટણી હું બોરીવલીના લોકોના સન્માન માટે લડી રહ્યો છું. હું ફરી એક વાર સ્પષ્ટતા કરી દેવા માગું છું કે હું BJPના વિરોધમાં નથી. બહારના લોકો બોરીવલીમાં આવીને ચૂંટણી લડતા હોવાથી મારે આ નિર્ણય લેવો પડ્યો છે.’
આ પહેલાં સોમવારે રાતે BJPના બોરીવલીના ઉમેદવાર સંજય ઉપાધ્યાય અને પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર કાંદિવલીમાં ગોપાલ શેટ્ટીના ઘરે તેમને મનાવવા પહોંચી ગયા હતા, પણ તેઓ માન્યા નહોતા. ગઈ કાલે સવારે પણ પાર્ટીના અમુક નેતાઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી.
બીજી બાજુ, અતુલ શાહને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ફોન કરીને સમજાવતાં તેમણે અપક્ષ તરીકે ફૉર્મ ભરવાનું રદ કરી દીધું હતું. આ બાબતે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પાર્ટીના સહસંગઠન મંત્રી કે. કે. પ્રકાશ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારજીએ અપક્ષ ન લડવા સમજાવ્યો હતો. તેમની સાથે વાત કર્યા બાદ મને પણ લાગ્યું કે આવેશમાં આવીને મેં આ નિર્ણય લીધો હતો. પાર્ટી પ્રત્યેનું મારું આટલા વર્ષનું યોગદાન, સમર્પણ અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને મેં પક્ષશ્રેષ્ઠીઓની વાત માની લીધી હતી.’
મુમ્બાદેવી બેઠક પરથી કૉન્ગ્રેસના અમીન પટેલની સામે શિવસેનામાંથી શાઇના એન. સી. ચૂંટણી લડી રહ્યાં છે.