મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની પહેલી સભા ૮ નવેમ્બરે

01 November, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુળેમાં માલેગાવ રોડ પરના ખાનદેશ ગૌશાળા મેદાનમાં ૪૫ એકર જમીનમાં એક લાખ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે

નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પાંચમી નવેમ્બરે ઉમેદવારો ફાઇનલ થઈ જશે. ત્યાં સુધીમાં દિવાળી પણ પૂરી થઈ જશે એટલે એ પછી પ્રચારસભાઓનો ધમધમાટ શરૂ થશે. સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્ટાર પ્રચારકોમાં સૌથી પહેલું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું. નરેન્દ્ર મોદી ૮ નવેમ્બરથી ૧૪ નવેમ્બર સુધી વિધાનસભાની ચૂંટણીમાં આઠ દિવસ પ્રચાર કરવાના છે. એમાં સૌથી પહેલી સભા ૮ નવેમ્બરે ધુળેમાં માલેગાવ રોડ પર આવેલા ખાનદેશ ગૌશાળા મેદાનમાં યોજવામાં આવી છે. ૪૫ એકર જમીનમાં અત્યારથી જ સભાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જ્યાં એક લાખ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.

BJPના નેતાઓની કેટલી સભા થશે?

નરેન્દ્ર મોદી ૮, અમિત શાહ ૨૦, નીતિન ગડકરી ૪૦, દેવેન્દ્ર ફડણવીસ ૫૦, ચંદ્રશેખર બાવનકુળે ૫૦ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ૧૫ પ્રચારસભા યોજવામાં આવી છે.

BJPના સ્ટાર પ્રચારક

BJPએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ૪૦ સ્ટાર પ્રચારકની યાદી બનાવવી છે. એમાં સૌથી ટોચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલ, રાવસાહેબ દાનવે, ઉદયન રાજે ભોસલે, અશોક ચવાણ, ચંદ્રકાંત પાટીલ, પ્રવીણ દરેકર અને નવનીત રાણા સહિતના નેતાઓનો સમાવેશ છે.

કૉન્ગ્રેસના સ્ટાર પ્રચારક

કૉન્ગ્રેસે પણ ચૂંટણીપ્રચાર માટે ૪૦ સ્ટાર પ્રચારકનાં નામ જાહેર કર્યાં છે. એમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ‌સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ‌્રિયંકા ગાંધી-વાડ્રા, નાના પટોલે, બાળાસાહેબ થોરાત, પૃથ્વીરાજ ચવાણ અને વર્ષા ગાયકવાડ સહિતના નેતાઓનો સમાવેશ છે.

UBTના સ્ટાર પ્રચારક

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. એમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત, અંબાદાસ દાનવે, અનિલ દેસાઈ, પ્રિયંકા ચતુર્વેદી અને કિશોરી પેડણેકર સહિતના નેતાઓનો સમાવેશ છે.

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections narendra modi maharashtra news