30 October, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઉમેદવારી નોંધાવવા પહોંચેલા નવાબ મલિક.
મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)એ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય નવાબ મલિકને વિધાનસભાની ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આમ છતાં ગઈ કાલે નવાબ મલિકે NCPમાંથી માનખુર્દ-શિવાજીનગર બેઠકમાંથી ઉમેદવારી નોંધાવી હતી. મહાયુતિમાં BJPના દેવેન્દ્ર ફડણવીસનું વધુ ઊપજે છે, પણ અજિત પવારે નવાબ મલિકને ઉમેદવારી આપીને તેઓ ઉપરવટ જઈ શકે છે એ બતાવી દીધું છે.
નવાબ મલિકે ઉમેદવારી નોંધાવ્યા બાદ ગઈ કાલે BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે ‘અમારી ભૂમિકા પહેલેથી સ્પષ્ટ રહી છે. મહાયુતિમાં સામેલ પક્ષોએ પોતપોતાના ઉમેદવાર નક્કી કરવાના છે. NCPના નવાબ મલિકના ઉમેદવારના પ્રશ્ન વિશે દેવેન્દ્ર ફડણવીસ અને મેં BJP વતી સ્પષ્ટતા કરી છે. ફરી એક વાર કહું છું કે BJP નવાબ મલિકનો પ્રચાર નહીં કરે. અમારી ભૂમિકા દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ રાખનારી વ્યક્તિનો પ્રચાર નહીં કરવાની છે અને કાયમ રહેશે. નવાબ મલિકની પુત્રી સના માલિક સામે હજી સુધી કોઈ વાંધાજનક પુરાવા નથી એટલે તેની સામે અમારે કોઈ વાંધો નથી. આથી અમે તેના માટે પ્રચાર કરીશું.’