01 November, 2024 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સદા સરવણકર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યો છે ત્યારે તેને વિજયી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તમામ પ્રકારના પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. માહિમની બેઠક પર અમિત ઠાકરે સામે ઉમેદવારી નોંધાવનારા શિવસેનાના સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવા માટે વિધાન પરિષદનું સભ્યપદ આપવાની ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે સદા સરવણકર આ ઑફર સ્વીકારે છે કે કેમ એના પર સૌની નજર રહેશે.
બુધવારે રાત્રે મહાયુતિના વરિષ્ઠ નેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેઠક વર્ષા બંગલામાં થઈ હતી. આ બેઠક બાદ ત્રણેય નેતાઓએ જાહેર કર્યું હતું કે તેમના પક્ષમાં બળવો કરીને ઉમેદવારી નોંધવાનારા નેતાઓને મનાવવા માટેના પ્રયાસ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં સદા સરવણકરને માહિમ બેઠકની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવા બાબતે વાતચીત થઈ હોવાનું કહેવાય છે.
લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ મહાયુતિને સમર્થન આપ્યું હતું એના બદલામાં મહાયુતિએ માહિમની બેઠક છોડીને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને વિજયી બનાવવા માટે સહયોગ કરવો જોઈએ એવો મત દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.