✕

હવે માર્કેટમાં છૂટક મસાલા નહીં વેચી શકાય

16 October, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDAના ક‌મિશનર તુકારામ મુંઢે હવે આપણા ‌કિચનને સુરક્ષિત કરવા મેદાનમાં

તુકારામ મુંઢે

કૃત્રિમ રંગો અને બીજા પદાર્થોની ભેળસેળ પકડાશે તો ૧૦ લાખ રૂ‌પિયા સુધીનો દંડ અને ૭ વર્ષ સુધીની જેલ થશે

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગઈ કાલ પ્રેસ-કૉન્ફરન્સ લઈને રાજ્યમાં મસાલા (મરચું, હળદર, ધાણાજીરું, તજ, લવિંગ, એલચી, કાળા મરી, ખસખસ વગેરે)ના છૂટક વેચાણ પર બંધી મૂકી દીધી છે. મસાલામાં ભેળસેળ થતી હોવાથી અનેક લોકોને સ્વાસ્થ્ય-સંબંધી તકલીફો થતી હોવાનું જણાવીને એ માટે નવી નિયમાવલિ જાહેર કરી હતી. તુકારામ મુંઢેએ કહ્યું હતું કે ‘કૃત્રિમ કલર્સ અને બહારની અન્ય ચીજો ભેળસેળ કરવાથી ગ્રાહકો માટે એ જોખમી બની જાય છે. એથી હળદર, મસાલા, મરચું, લવિંગ જેવા મસાલા અને મસાલામાંથી બનતાં અન્ય ઉત્પાદનોનો એમાં સમાવેશ થાય છે. એના છૂટક વેચાણ પર બંધી મૂકવામાં આવે છે. મસાલામાં ભૂસું અને રંગોની ભેળસેળ થતી હોવાનું જાણવા મળ્યું અને મસાલામાં પ્રતિબંધિત કલર્સ મળી આવશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે. ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને ૭ વર્ષ સુધીની જેલ તથા જો એ અનસેફ ફૂડ ખાવાથી કોઈનું મૃત્યુ થયું તો આજીવન કેદની સજાની જોગવાઈ કાયદામાં છે. સિવાય જ્યાં મસાલા સ્ટોર કરવામાં આવતા હોય છે એ જગ્યા સ્વચ્છ હોવી જરૂરી છે. વૅલિડ લાઇસન્સ વગર પણ એ નહીં વેચી શકાય. ઇથિલીન ઑક્સાઇડનો મસાલા ક્લીન કરવા ઉપયોગ નહીં કરી શકાય. એના પર પ્રતિબંધ છે. આ આદેશ મસાલાના મૅન્યુફૅક્ચરર્સ, ગ્રાઇન્ડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, e-કૉમર્સ, હોટેલ અને કેટરર્સ એમ બધાએ પાળવો જરૂરી છે. મસાલા હવે પૅકેટમાં જ સીલ કરીને વેચી શકાશે.  જો નિયમોનો ભંગ થશે અથવા ભેળસેળ થઈ હોવાની જાણ થશે તો કાર્યવાહી થશે. રીટેલર સાથે જ પ્રોડ્યુસર, ગ્રાઇન્ડિંગ સપ્લાયર અને કલર્સ પૂરો પાડનાર સામે પણ કાર્યવાહી થશે.’

mumbai news mumbai food and drug administration tukaram mundhe maharashtra government maharashtra news maharashtra