આગામી વર્ષનું બજેટ નહીં, ૨૦૪૭ માટેનો વિકસિત મહારાષ્ટ્રનો રોડ-મૅપ

07 March, 2026 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશના નાણાકીય એન્જિન મહારાષ્ટ્રનું બજેટ ૭,૬૯,૪૯૭ કરોડ રૂપિયા, ૨૦૪૭ સુધીમાં રાજ્ય પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનશે એવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિશ્વાસ

ગઈ કાલે વિધાનભવનમાં બજેટ રજૂ કરવા જતાં પહેલાં મીડિયા સમક્ષ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમની ટીમ.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં મહારાષ્ટ્રનું ૭,૬૯,૪૯૭ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ રજૂ કર્યું, જેમાં રાજકોષીય ખાધ ૨.૭ ટકા હતી.

દેવેન્દ્ર ફડણવીસ ત્રીજા મુખ્ય પ્રધાન છે જેમણે નાણાપ્રધાન તરીકે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. અગાઉ મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણે અને ત્યાર બાદ વસંતરાવ નાઈકે નાણાપ્રધાન તરીકે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.

બજેટ રજૂ કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તેમનું વાર્ષિક બજેટ માત્ર આગામી વર્ષ માટે વિકાસનો રોડ-મૅપ નથી પણ ૨૦૪૭ સુધીમાં રાજ્યના અર્થતંત્રને પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રમાં ફેરવવા માટે મહારાષ્ટ્રનો વિઝન ડૉક્યુમેન્ટ પણ છે. પ્રગતિશીલ, શાશ્વત, વ્યાપક અને સુશાસનને પ્રોત્સાહન જેવા ચાર સ્તંભો પર આ બજેટ આધારિત છે.’

મૂડીખર્ચમાં રોકાણ વધે તો એ વાસ્તવિક વિકાસને આગળ ધપાવશે એવો ઉલ્લેખ કરીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ વર્ષે મૂડીખર્ચ પાછળ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે આગામી વર્ષ માટે ૧.૩૦ લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ છે જે લગભગ ૨૧ ટકાનો વધારો દર્શાવે છે.’

ખેડૂતોને કેન્દ્રમાં રાખતા આ બજેટમાં રાજ્યની કૃષિ GDP ૨૦૪૭ સુધીમાં પંચાવન અબજ ડૉલરથી વધીને ૫૦૦ અબજ ડૉલર થવાનો અંદાજ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસે બજેટ અજિત પવારને સમર્પિત કર્યું

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મહારાષ્ટ્ર બજેટ 2026 રજૂ કર્યું હતું. આ બજેટ તેમણે રાજ્યના દિવંગત નાણાપ્રધાન અજિત પવારને સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અજિતદાદાએ મોટા ભાગનું બજેટ તૈયાર કર્યું હતું. અજિતદાદાએ ૧૧ વખત બજેટ રજૂ કર્યું હતું. તેમના કઠોર સ્વભાવને કારણે શિસ્ત રહી. તેમના માનમાં એક ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. તેમના નામે નાગરિક પુરસ્કાર શરૂ કરવામાં આવશે.’ 

રાજ્યનું દેવું હજી વધશે, બાકી દેવાં ૧૧ લાખ કરોડને આંબે એવી શક્યતા

ગઈ કાલે રજૂ થયેલા બજેટ મુજબ રાજ્યનાં દેવાંનો બોજ વધવાનો અંદાજ છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૬-‘૨૭માં કુલ બાકી દેવાં ૧૧,૦૨,૬૫૪ કરોડ રૂપિયાને આંબે એવો અંદાજ છે.
૨૦૨૫-‘૨૬માં દેવું ૯,૭૩,૯૮૯ કરોડ રૂપિયા હતું, જે અગાઉના અંદાજ ૯,૩૨,૨૪૨ કરોડ કરતાં વધુ હતું. ૨૦૨૪-’૨૫માં પણ આવી જ પૅટર્ન જોવા મળી હતી, જ્યારે રાજ્યનું દેવું ૮.૩૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. બજેટ પછી પત્રકારો સાથે વાત કરતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ‘રાજ્ય પર ઉધાર નિર્ધારિત મર્યાદામાં છે. અનેક કલ્યાણકારી યોજનાઓ હોવા છતાં રાજ્યએ સતત નાણાકીય શિસ્ત જાળવી રાખી છે.’

આવકનો ૫૪.૯૩ ટકા હિસ્સો ક્યાં ફાળવાયો?

પગાર માટે : ૧,૭૫,૯૫૧ કરોડ રૂપિયા
પેન્શન માટે : ૯૨,૩૭૯ કરોડ રૂપિયા
વ્યાજની ચુકવણી માટે : ૭૦,૦૫૫ કરોડ રૂપિયા

મુખ્ય આવક ક્યાંથી થઈ?

સ્ટેટ GST : ૧.૮૭ લાખ કરોડ રૂપિયા
સેલ્સ ટૅક્સ : ૭૫,૧૧૨ કરોડ રૂપિયા
સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન : ૬૮,૦૦૦ કરોડ રૂપિયા
સ્ટેટ એક્સાઇઝ : ૩૫,૧૮૨ કરોડ રૂપિયા

શું સસ્તું થયું?

ડાયાબિટીઝની સારવાર, કૅન્સરની દવાઓ, રમતગમતનાં સાધનો, તબીબી સાધનો, સોલર પૅનલ

શું મોંઘું થયું?

દારૂ, સિગારેટ અને તમાકુનાં ઉત્પાદનો

બજેટની આંકડાબાજી (કરોડ રૂપિયા​માં)

ડીટેલ

૨૦૨૫-’૨૬ બજેટ અંદાજ

૨૦૨૫-’૨૬ બજેટ અંદાજ સુધારો

૨૦૨૬-’૨૭ અંદાજ

રેવન્યુ રિસીટ

૫,૬૦,૯૬૩

૬,૦૧,૪૮૯

૬,૧૬,૦૯૯

રેવન્યુ એક્સપેન્ડિચર

૬,૦૬૮૫૫

૬,૩૮,૫૪૪

૬,૫૬,૬૫૧

રેવન્યુ ડેફિસિટ

૪૫,૮૯૨

૩૭,૦૫૫

૪૦,૫૫૨

ટોટલ એક્સપેન્ડિચર

૭,૦૦,૦૨૦

૭,૫૫,૯૨૦

૭,૬૯,૪૬૭

ફિસ્કલ ડેફિસિટ

૧,૩૬,૨૩૪

૧,૫૧,૫૩૬

૧,૫૦,૪૯૧

 

union budget maharashtra government maharashtra news maharashtra devendra fadnavis mumbai mumbai news