મહારાષ્ટ્રની નવી AI પૉલિસીને કૅબિનેટની મંજૂરી

30 April, 2026 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ અને ૧.૫ લાખ નોકરીઓનો લક્ષ્યાંક

ફાઇલ તસવીર

ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં મહારાષ્ટ્રને અગ્રેસર બનાવવાના હેતુથી સ્ટેટ કૅબિનેટે બુધવારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પૉલિસી 2026ને લીલી ઝંડી આપી છે. આ પૉલિસી હેઠળ રાજ્યમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની અપેક્ષા છે, જેનાથી અંદાજે ૧.૫ લાખ રોજગારીની તકો ઊભી થશે.

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન આશિષ શેલારે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘નવી પૉલિસી હેઠળ રાજ્યમાં ૬ AI સેન્ટર ઑફ એક્સલન્સ અને પાંચ AI ઇનોવેશન સિટી સ્થાપવામાં આવશે. ટેક્નૉલૉજીની ડિમાન્ડને પહોંચી વળવા માટે બે લાખ યુવાનોને AI ક્ષેત્રે ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવશે.’

રાજ્ય સરકાર AI આધારિત સ્ટાર્ટઅપ્સ અને યુનિકૉર્નને પ્રોત્સાહન આપવા માટે ૫૦૦ કરોડનું વેન્ચર કૅપિટલ ફન્ડ બનાવશે, જેમાં સરકારનો હિસ્સો ૨૫૦ કરોડ રૂપિયા રહેશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ ટેક્નૉલૉજી અપનાવવા આર્થિક સહાય અને વીજળીદરમાં રાહત આપવામાં આવશે.

મહારાષ્ટ્ર દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જે એથિકલ AI માટે અલગ ફ્રેમવર્ક તૈયાર કરશે. વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા AI એજન્ટો વિકસાવવામાં આ‍શે અને મરાઠી સહિતની સ્થાનિક ભાષાઓમાં ડેટાબેઝ તૈયાર કરવા માટે નાણાકીય સહાય અપાશે.

કૅબિનેટે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મૅજેસ્ટિક યોજનાની પણ જાહેરાત કરી છે, જેના માટે વર્લ્ડ બૅન્ક પાસેથી લોન લેવામાં આવશે. સાથે જ ૩૦૦ કરોડ વૃક્ષો વાવવાના મહાઅભિયાન માટે ગ્રીન મહારાષ્ટ્ર કમિશનની સ્થાપના કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

ai artificial intelligence tech news technology news devendra fadnavis ashish shelar maharashtra government maharashtra mumbai mumbai news