અકસ્માતગ્રસ્તને મળતી કૅશલેસ-પેમેન્ટની મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી

20 April, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર મહિને આ હૉસ્પિટલોમાં કૅમ્પ યોજીને ઓછામાં ઓછા પાંચ દરદીઓની કૅશલેસ-સારવાર કરવાનો પ્રસ્તાવ પણ છે.

પ્રતીકાત્મક તસવીર

અકસ્માતગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી કૅશલેસ-પેમેન્ટની મર્યાદા એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. પૅનલ પર હોય એવા દવાખાના તેમ જ સરકારી દવાખાનામાં આ સુવિધાનો લાભ લઈ શકાશે. જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન પ્રકાશ આબિકરે આ વિશે અધિકારીઓને જણાવ્યું હતું કે ‘અકસ્માતગ્રસ્તને સમયસર સારવાર મળે એ વધુ અગત્યનું છે. આ સુવિધાનો લાભ હાલમાં રાજ્યની ૧૭૯૨ હૉસ્પિટલમાં લઈ શકાય છે, જેમાં વધારો કરીને ૪૧૮૦ હૉસ્પિટલોને પૅનલમાં જોડીને વધુમાં વધુ લોકો સુધી હેલ્થ-સ્કીમનો લાભ પહોંચાડવાની સરકારની યોજના છે. યોજનાના અમલીકરણમાં પારદર્શકતા રહે એની જવાબદારી જે-તે જિલ્લા કલેક્ટરની રહેશે. ઉપરાંત આ માટે નિમાયેલી સમિતિ અંગ-પ્રત્યારોપણ જેવી મોંઘી સારવાર, પ્રાથમિક સારવાર, સારવારની ફી જેવા મુદ્દાઓ પર કામ કરીને એક મહિનામાં રિપોર્ટ રજૂ કરશે. જનતાને આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે અલાયદી મોબાઇલ-ઍપ પણ ડેવલપ કરવામાં આવશે, જેમાં પૅનલ પર હોય એવી હૉસ્પિટલોની યાદી, બૅડની ઉપલ​બ્ધિની માહિતી મળશે. ઉપરાંત ઍપ પરથી આ બાબતની ફરિયાદ પણ નોંધાવી શકાશે. દર મહિને આ હૉસ્પિટલોમાં કૅમ્પ યોજીને ઓછામાં ઓછા પાંચ દરદીઓની કૅશલેસ-સારવાર કરવાનો પ્રસ્તાવ પણ છે.’

mumbai news mumbai road accident maharashtra news maharashtra