31 October, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ વર્ષની શરૂઆતમાં પુણેસ્થિત ગોખલે લૅન્ડમાર્ક્સ LLP દ્વારા શેઠ હીરાચંદ નેમચંદ દિગંબર સ્મારક ટ્રસ્ટ પાસેથી ૩૧૧ કરોડ રૂપિયામાં મિલકત હસ્તગત કરવામાં આવી હતી
જૈન ટ્રસ્ટ અને અને ગોખલે બિલ્ડર્સ વચ્ચે જૈન બોર્ડિંગ હાઉસની જમીન માટે થયેલો સોદો સત્તાવાર રીતે રદ કરવાનો આદેશ મહારાષ્ટ્ર ચૅરિટી કમિશનરે આપ્યો છે. ચૅરિટી કમિશનરે ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં આપેલા આદેશને રદ કર્યો હતો, જેમાં શેઠ હીરાચંદ નેમચંદ દિગંબર સ્મારક ટ્રસ્ટ (SHNDST)ને ગોખલે લૅન્ડમાર્ક્સ સાથે કરાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ચૅરિટી કમિશનરના આદેશ બાદ હવે ગોખલે લૅન્ડમાર્ક્સ LLP અને SHNDSTના ટ્રસ્ટીઓ ૧૦ ઑક્ટોબરે કરેલા વેચાણ-દસ્તાવેજ અને પાવર ઑફ ઍટર્નીને રદ કરવા માટે યોગ્ય પગલાં લેશે. વેચાણ-દસ્તાવેજ રદ થયા પછી ટ્રસ્ટીઓએ વેચાણની સંપૂર્ણ રકમ ગોખલે લૅન્ડમાર્ક્સને પરત કરવાની રહેશે એમ ચૅરિટી કમિશનરે આદેશ આપ્યો હતો.
ગેરરીતિનો અને રાજકીય સંડોવણીનો આરોપ
આ વર્ષની શરૂઆતમાં પુણેસ્થિત ગોખલે લૅન્ડમાર્ક્સ LLP દ્વારા શેઠ હીરાચંદ નેમચંદ દિગંબર સ્મારક ટ્રસ્ટ પાસેથી ૩૧૧ કરોડ રૂપિયામાં મિલકત હસ્તગત કરવામાં આવી હતી. એમાંથી ૨૩૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રકમ હૉસ્ટેલના રીડેવલપમેન્ટ માટે રાખવામાં આવી હતી. ચૅરિટી કમિશનરે ગયા અઠવાડિયે આ સોદો સ્થગિત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ૨૭ ઑક્ટોબરે ગોખલે બિલ્ડરે જાતે જ સોદો ફોક કરવા માટે ટ્રસ્ટને ઈ-મેઇલ કરી હતી. જૈન સમુદાયના સભ્યોએ પુણે અને મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં અને ટ્રસ્ટીઓ પર સોદો કરતી વખતે ડેવલપરની તરફેણ કરવાનો અને સખાવતી જમીનના સંચાલનમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ વિધાનસભ્ય અને એકનાથ શિંદેની શિવસેનાના નેતા રવીન્દ્ર ધંગેકરે આ વ્યવહારમાં કેન્દ્રીય રાજ્યપ્રધાન મુરલીધર મોહોળની સંડોવણીનો આરોપ લગાવતાં વિવાદે રાજકીય વળાંક લીધો હતો.