✕

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૦૨૭ને મેટ્રો વર્ષ ગણાવ્યું

06 October, 2026 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ૨૦૨૭ના વર્ષને રાજ્ય માટે ‘મેટ્રો વર્ષ’ તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી.

સોમવારે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મળેલી ચીફ મિનિસ્ટર્સ વૉરરૂમની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે ૨૦૨૭માં ઓછામાં ઓછા ૭૦ કિલોમીટરના મેટ્રો અને એલિવેટેડ કૉરિડોરનું કામ પૂરું થાય એ રીતે કામગીરીને વેગ આપવામાં આવે. તેમણે ૨૦૨૭ના વર્ષને રાજ્ય માટે ‘મેટ્રો વર્ષ’ તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી.

સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે રચાયેલા ચીફ મિનિસ્ટર્સ વૉરરૂમની બેઠક દરમ્યાન તેમણે આ સૂચનાઓ આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરો કરવા માટે નક્કી કરાયેલો મેટ્રો કૉરિડોરનો લક્ષ્યાંક જે અગાઉ ૩૬ કિલોમીટર હતો એની કામગીરી ઝડપી બનાવીને ૫૦ કિલોમીટર સુધી વધારવો જોઈએ. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ્સ પૂરો થાય એ સુનિશ્ચિત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીનું ઓછામાં ઓછું ૫૦ ટકા કામ મશીન-આધારિત હોવું જોઈએ. આ ઉપરાંત મજૂરોની અછત દૂર કરવા માટે મેકૅનાઇઝેશન અપનાવવા તેમ જ કુશળ કામદારોની ઉપલબ્ધતા વધારવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

મેટ્રોનું કામ ઝડપી બનાવવા માટે આ નિર્દેશો પણ અપાયા
ડી. એન. નગરથી ચેમ્બુર વચ્ચેની મેટ્રો 2B પર જુહુ સર્કલ નજીક ગર્ડર બેસાડવાની બાકી રહેલી કામગીરી પૂરી કરવા માટે જો જરૂર પડે તો રવિવારે ૧૨ કલાકનો ખાસ રોડ-બ્લૉક પ્લાન કરવાનો આદેશ દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને આપ્યો હતો.
શિવડી-વરલી એલિવેટેડ રોડ કનેક્ટિવિટીનું કામ આવતા વર્ષે ૩૧ મે પહેલાં પૂરું કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લું મુકાવું જોઈએ.
સ્વામી સમર્થનગરથી વિક્રોલી વચ્ચેની મેટ્રો લાઇન 6 માટે જમીન-સંપાદન અને કોર્ટ-સંબંધિત કાર્યવાહી 
ઝડપી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

mumbai news mumbai maharashtra news maharashtra devendra fadnavis