Maharashtra Civic Poll 2025: રાજ્યવ્યાપી મતગણતરી મુલતવી રાખવાનો બોમ્બે HCનો નિર્ણય

02 December, 2025 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Civic Poll 2025: બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે રાજ્યવ્યાપી મતગણતરી મુલતવી રાખવાનો નિર્નય કર્યો; પરિણામની નવી તારીખ નક્કી કરાઈ છે ૨૧ ડિસેમ્બર; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે `ત્રુટિપૂર્ણ` પ્રક્રિયાની ટીકા કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra) માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની (Maharashtra Civic Poll 2025) મતગણતરી, જે મૂળ ૨ ડિસેમ્બરે યોજાવાની હતી તે હવે ૨૧ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં મતદાન ૨૦ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યું હોવાથી, બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) ની નાગપુર (Nagpur) બેન્ચે નિર્દેશ આપ્યો છે કે તમામ મતદાન પૂર્ણ થયા પછી જ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ (Nagpur Bench of Bombay High Court) એ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ (Maharashtra Municipal Council) અને નગર પંચાયત (Nagar Panchayat) ની ચૂંટણીઓ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્યભરની તમામ ચૂંટણીઓના પરિણામો ૨૧ ડિસેમ્બરે જાહેર કરવા જોઈએ, ભલે કેટલીક કાઉન્સિલોનું મતદાન વહેલું પૂર્ણ થયું હોય.

આ નિર્ણય એક અરજી બાદ આવ્યો છે જેમાં દલીલ કરવામાં આવી હતી કે, લગભગ ૨૦ મ્યુનિસિપલ કાઉન્સિલોમાં વિલંબિત મતદાન, કાનૂની બાબતોને કારણે, જો પરિણામો અલગ અલગ દિવસોમાં જાહેર કરવામાં આવે તો વિસંગતતાઓ તરફ દોરી શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ન્યાયીતા જાળવવા માટે એક સાથે જાહેરાત કરવી જરૂરી છે.

બોમ્બે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલ પ્રકાશિત કરી શકાય છે. તે તારીખ સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે.

જે વિસ્તારોમાં ચૂંટણી રદ કરવામાં આવી છે ત્યાં ચૂંટણી લડનારા ઉમેદવારો તેમના વર્તમાન ચૂંટણી પ્રતીકો જાળવી રાખશે. જોકે, કોર્ટે રદ થવાને કારણે નાણાકીય નુકસાનનો દાવો કરનારા ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા વધારવાનો સાફ ઇનકાર કર્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ કોર્ટના ચુકાદા પહેલાની ઘટનાઓ પ્રત્યે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અસંતો વ્યક્ત કરતા સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ચૂંટણીઓ વારંવાર મુલતવી રાખવી અને પરિણામોની જાહેરાતમાં વિલંબ કરવો એ અભૂતપૂર્વ છે અને તે પ્રણાલીગત ખામીઓ તરફ નિર્દેશ કરે છે.

ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની નારાજગી ચૂંટણી પંચ પ્રત્યે નહીં, પરંતુ એકંદર પ્રક્રિયામાં થયેલી ખામીઓ પ્રત્યે છે. તેમણે કહ્યું કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં આટલી બધી ગેરરીતિઓ પહેલી વાર તેમણે જોઈ છે અને પ્રક્રિયાઓમાં તાત્કાલિક જ સુધારો કરવાની હાકલ કરી છે.

બોમ્બે હાઈકોર્ટની સ્પષ્ટ સમયરેખા સાથે, તમામ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતના પરિણામો હવે ૨૧ ડિસેમ્બરે એકસાથે જાહેર કરવામાં આવશે. લાંબા સમયથી અનિશ્ચિતતા વચ્ચે રાહ જોઈ રહેલા ઉમેદવારો અને પક્ષો માટે, આ ચુકાદો ખૂબ જ જરૂરી સ્પષ્ટતા લાવે છે કારણ કે રાજ્ય અંતિમ પરિણામની તૈયારી કરી રહ્યું છે.

bmc election maharashtra news maharashtra government maharashtra bom bombay high court mumbai mumbai news devendra fadnavis brihanmumbai municipal corporation