17 May, 2025 03:31 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
કેસરીવીર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જ સુનીલ શેટ્ટી, વિવેક ઑબરૉય, સૂરજ પંચોલી અને આકાંક્ષા શર્મા સ્ટારર ઐતિહાસિક ડ્રામા `કેસરી વીર`ના ટીઝરને જોઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે ફિલ્મને લીને પોતાની ગર્વપૂર્ણ ટિપ્પણી કરી અને આ ફિલ્મને ભારતીય ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે વખાણી.
નાગપુરના વર્ધામાં આયોજિત ભવ્ય દેવાભાઉ કબડ્ડી સ્પર્ધામાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આગામી ઐતિહાસિક મહાકાવ્ય કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથના ટ્રેલર અને ટીઝરના ખૂબ જ વખાણ કર્યા. તેમણે જનતાને ફિલ્મને સમર્થન આપવા વિનંતી કરી, જેમાં ગુજરાતના પવિત્ર સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, `કેસરી વીર માત્ર એક ફિલ્મ નથી, આ આપણા દેશના ઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ પાસું છે. આ ફિલ્મ તે વીરતાને દર્શાવે છે જે 14મી સદીમાં સોમનાથ યુદ્ધ દરમિયાન બતાવવામાં આવી હતી. વીર હમીરજી ગોહિલ, જેમણે સોમનાથ મંદિરની રક્ષા માટે અદ્વિતીય સાહસ અને નિષ્ઠાનો પરિચય આપ્યો, તેના પર આધારિત આ સ્ટોરી માત્ર પ્રેરણાદાયક જ નહીં, પણ આપણાં ઇતિહાસને જાણવાની ફરજને પણ યાદ અપાવે છે.`
ફડણવીસે ફિલ્મના ટીઝરને `ખૂબ જ પ્રભાવશાળી` જણાવતા દર્શકોને અપીલ કરી છે કે તે આ ઐતિહાસિક ડ્રામાને મોટા પડદા પર ચોક્કસ જુએ. તેમણે કહ્યું, "આ ફિલ્મના માધ્યમે આપણે આપણાં ઇતિહાસને સમજીએ અને તેના પર ગર્વ કરવાનો અવસર મળે છે. હું બધાને આગ્રહ કરું છું કે તે આ ફિલ્મ થિયેટરમાં જઈને જુએ અને આ યાત્રાનો ભાગ બને."
આ કાર્યક્રમમાં મંચસ્થ દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી), પ્રફુલ્લ પટેલ (રાજ્યસભાના સભ્ય), પ્રતાપ સરનાઈક (મહારાષ્ટ્રના પરિવહન મંત્રી), અશોક ઉઈકે (મહારાષ્ટ્રના આદિજાતિ વિકાસ મંત્રી), ડૉ. પંકજ ભોયર, ઇન્દ્રનીલ નાયક અને રામદાસ તદાસ સહિત અનેક અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ - સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી અને આકાંક્ષા શર્મા - નિર્માતા કનુ ચૌહાણ અને દિગ્દર્શક પ્રિન્સ ધીમન પણ હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રીના જાહેર સમર્થનથી આ ફિલ્મ પ્રત્યેની અપેક્ષાઓ વધી ગઈ છે, જે ભારતીય ઇતિહાસના એક શૂરવીર પ્રકરણનું સન્માન કરે છે.
સ્ટોરી અને ઍક્ટિંગ:
`કેસરી વીર` ફિલ્મની સ્ટોરી 14મી સદીમાં સોમનાથ યુદ્ધની આસપાસ વણાયેલી છે, જ્યાં યુવા યોદ્ધા વીર હમીરજી ગોહિલ, જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને સોમનાથ મંદિરની રક્ષા કરી હતી, તેમના સાહસને દર્શાવવામાં આવી છે. આ મહાકાવ્ય યુદ્ધ ગાથામાં સુનીલ શેટ્ટી નિડક યોદ્ધ વેગડાજીની ભૂમિકામાં છે, જ્યારે સૂરજ પંચોળી વીર હમીરજી ગોહિલના પાત્રમાં જોવા મળશે. આકાંક્ષા શર્મા રાજલ નામની વીરાંગનાનું પાત્ર ભજવશે, જે આ સંઘર્ષમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ફિલ્મમાં વિવેક ઓબેરોય ઝફર નામના ખલનાયકની ભૂમિકા ભજવે છે, જે ધર્મના આધારે લોકોને બળજબરીથી ધર્માંતરણ કરાવે છે. ફિલ્મની વાર્તા માત્ર રોમાંચક એક્શનથી જ નહીં, પરંતુ ઊંડા ભાવનાત્મક પાસાઓ અને ઐતિહાસિક ઘટનાઓથી પણ દર્શકોને જોડવાનો પ્રયાસ કરે છે.
દિગ્દર્શન અને નિર્માણ:
આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિન્સ ધીમન દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ કનુ ચૌહાણ દ્વારા ચૌહાણ સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ થઈ રહેલી `કેસરી વીર` એક્શન, ભાવના અને નાટકનું સંપૂર્ણ મિશ્રણ છે.
આ ફિલ્મ 23 મેના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે અને તે ચોક્કસપણે દર્શકોને ભારતીય ઇતિહાસમાં બહાદુરી અને સંઘર્ષની મહત્વપૂર્ણ ક્ષણોમાંથી પસાર કરશે.