27 September, 2026 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ્યના જળસંપત્તિ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલ
લાંબા સમયથી વરસાદે વિશ્રામ લઈ લીધો હોઇ હાલમાં મહારાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ (Maharashtra Drought) થયા છે. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરે રાજ્યનાં ૩૫૮ તાલુકાઓમાંથી ૨૬૫ તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે. પાણી વગર રાજ્યની આવી વિકટ પરિસ્થિતિની વચ્ચે રાજ્યના જળસંપત્તિ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ એક પ્રોગ્રામમાં સ્ટેજ પરથી હાથ જોડીને રાજ્યના ખેડૂતો અને કાર્યકર્તાઓને પરિસ્થિતિ જોતાં અત્યંત સાદગીથી લગ્ન કરવાની રિક્વેસ્ટ કરી છે. આમ, હાલમાં લગ્નપ્રસંગોમાં જએ રીતે અધધ ખર્ચા કરવામાં આવે છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓએ કહ્યું કે, "ખબર છેને કે કોવિડ વખતે લગ્નો કેવી રીતે થયાં? તે વખતે ફક્ત ૧૦ કે ૫૦ લોકોની હાજરીમાં જ લગ્ન લેવાયાં હતાં. તો શું સાદાઈથી લગ્ન કરનારાં લોકોને છોકરાં નથી થયાં?" આવું નિવેદન આપીને તેઓએ સમાજમાં દેખાદેખીને કારણે લગ્ન પાછળ કરવામાં આવતી ખોટી ઝાકમઝોળ અને પૈસાના ખોટા બગાડની સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.
તેઓએ એમ પણ જણાવ્યું કે, "મને લાગે છે કે આપણે લોકોએ ફરીથી સમૂહલગ્નો તરફ વળવાનો સમય આવી ગયો છે. મારી કાર્યકરોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ બધો ખોટો ભપકો બંધ કરો. વરસાદનું ટીપું જ નથી તો પછી આવકનાં કયાં સાધનો બચશે? માટે જ સગાઈ, પીઠી અને લગ્ન જેવા બધા જ પ્રસંગો એક-બે દિવસની અંદર જ આટોપી લેવા જોઈએ. આ વર્ષે ખોટો વટ પાડવાનું રહેવા દો" આમ, વરસાદ ન હોવાથી રાજ્યની કફોડી હાલત (Maharashtra Drought)ને ધ્યાનમાં રાખીને સાદાઈથી લગ્નપ્રસંગ પાર પાડવાના તેમના નિવેદનની ચોતરફ ચર્ચાઓ થઈ રહી છે.
બીજી બાજુ દુષ્કાળ (Maharashtra Drought)ની સ્થિતિ પરથી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષો પર પણ વિખે પાટીલે આકરા પ્રહારો કર્યા. તેઓએ કહ્યું હતું કે રાજ્યસરકાર સતત બનતી મદદ કરવાનો પ્રયાસ કરે છે. મહાયુતિ સરકારે હાલમાં તો કોઈ ચૂંટણી ન હોવા છતાં ૩૧ હજાર કરોડ રૂપિયાની દેવામાફી આપી છે. આ ઉપરાંત અહમદનગર જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓ સહિત ૨૦૦થી વધુ તાલુકાઓમાં રાહત આપવાની પ્રક્રિયા તાકીદે શરૂ કરવામાં આવી છે. તેઓએ એમ પણ જણાવ્યું કે સરકાર NDRFના નિયમો કરતાં પણ વધુ મદદ કરવા માટે કટિબદ્ધ છે.
વિખે પાટિલે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં જણાવ્યું કે આજે વિપક્ષો પાસે કોઈ મુદ્દા બચ્યા નથી, તેમની પાસે લોકો અને મુદ્દાઓનો જ દુકાળ (Maharashtra Drought) છે. તેમણે સનત સિંહા કેસ અને દૂધના ભાવ મુદ્દે વાત કરતા જણાવ્યું કે તુકારામ મુંડેના પગલાંને કારણે દૂધમાં થતી ભેળસેળ અટકી છે, જેનાથી દૂધના ભાવ વધ્યા છે અને દૂધ ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત મળી છે.