18 October, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
તહેવારોમાં તેલ, ઘી, દૂધ વગેરેની વધારાની માગને પહોંચી વળવા અમુક વેપારીઓ બનાવટી માલ બજારમાં ઠાલવતા હોવાના કિસ્સા બને છે. આવી ફૂડ-આઇટમ્સની ગુણવત્તા ચકાસવા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ દિવાળી પહેલાં ખાસ અભિયાન હાથ ધર્યું હતું જેમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી હલકી ગુણવત્તાના અને હાનિકારક જણાતા ૮,૦૩,૯૪૨ કિલોથી વધુ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
૧૧ ઑગસ્ટથી ૧૨ ઑક્ટોબર દરમ્યાન FDAના અધિકારીઓએ ખાદ્ય પદાર્થોના ૪૬૭૬ નમૂનાઓ એકત્રિત કર્યા હતા અને એનું પરીક્ષણ કર્યું હતું. એમાં દૂધ, તેલ, ઘી, ખોયા, મીઠાઈ, સૂકા મેવા, ચૉકલેટ અને અન્ય વસ્તુઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી ૯૧૮ નમૂનાઓ પ્રમાણભૂત સાબિત થયા હતા. ૫૧ હલકી ગુણવત્તાવાળા, ૧૬ અસુરક્ષિત અને ૮ ખોટી બ્રૅન્ડનેમ અને ગેરમાર્ગે દોરે એવા લેબલવાળા નમૂના હતા.
રાજ્યમાં શરૂ કરવામાં આવેલા અભિયાન ‘સણ મહારાષ્ટ્ર ચા, સંકલ્પ અન્નસુરક્ષેચા’ (તહેવાર મહારાષ્ટ્રનો, સંકલ્પ અન્નસુરક્ષાનો)ના એક ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. FDAની આ સઘન ઝુંબેશ ૨૫ ઑક્ટોબર સુધી ચાલુ રહેશે.
આ નંબર પર નોંધાવી શકાશે ફરિયાદ
નાગરિકો ટોલ-ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૨૨૨-૩૬૫ પર કૉલ કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંબંધિત કોઈ પણ ફરિયાદ કરી શકે છે.