28 November, 2026 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ પહેલી એપ્રિલથી ૧૯ નવેમ્બર ૨૦૨૬ દરમ્યાન રાજ્યભરની સ્કૂલોની આસપાસ ફૂડ-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૭૯ ફૂડ-આઉટલેટ્સ બંધ કરાવ્યાં છે અને અન્ય ૨૧નાં રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ ઝુંબેશ દરમ્યાન FDAના બૃહન્મુંબઈ ડિવિઝન દ્વારા બે સ્કૂલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મુંબઈમાં બે આઉટલેટ બંધ કરવામાં આવ્યાં હતાં.
FDAએ રાજ્યભરની સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ અને હૉસ્ટેલોમાં ચાલતી કૅન્ટીનો, મેસ અને અન્ય ખાદ્ય સંસ્થાઓ માટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) હેઠળ રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ ફરજિયાત બનાવ્યું છે. આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે ફૂડ-સેફ્ટી અને સ્વચ્છતાનાં ધોરણોનું ઉલ્લંઘન કરવાથી એમનાં લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે.
મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કૅમ્પસમાં કરવામાં આવેલા નિરીક્ષણ દરમ્યાન ફૂડ-સેફ્ટીના અનેક નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યા બાદ કૅન્ટીનના વેન્ડર પાસેથી એક લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એ ઘટના બાદ આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ૪૨૨ સ્કૂલોની તપાસ કરવામાં આવી
FDAના ડેટા મુજબ મહારાષ્ટ્રમાં કુલ ૪૨૨ સ્કૂલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કૂલના પ્રવેશદ્વારથી ૫૦ મીટરની ત્રિજ્યામાં વધુ પડતી ચરબી, સાકર અને મીઠું ધરાવતા ખાદ્ય પદાર્થો પરના પ્રતિબંધ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરતી ૧૩૮ સંસ્થાઓ મળી આવી હતી, એમાંથી ૬૯ની કામગીરી બંધ કરાવવામાં આવી હતી અને ૧૯નાં લાઇસન્સ કે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતી ૨૧ સંસ્થાઓમાંથી ૧૦ને બંધ કરાવવામાં આવી હતી અને બેનાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં.