12 November, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ત્રણ સમુદ્રકિનારાઓને ૨૦૨૬-’૨૭ની સીઝન માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લૅગ મળવાની જાહેરાત ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લૅગ જ્યુરી દ્વારા કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રે પહેલી વાર વૈશ્વિક સ્તરે બ્લુ ફ્લૅગ ધરાવતા બીચની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારા ત્રણ કિનારાઓમાં રત્નાગિરિ જિલ્લાના લાડઘર અને ગુહાગર તેમ જ રાયગડ જિલ્લાના શ્રીવર્ધન બીચનો સમાવેશ થાય છે. આ બીચ પર્યાવરણ સંરક્ષણ, કિનારાની સ્વચ્છતા, પાણીની ગુણવત્તા, જૈવવિવિધતાનું રક્ષણ, પ્રવાસીઓની સુરક્ષા, પાયાની માળખાકીય સુવિધાઓ અને સસ્ટેનેબલ ટૂરિઝમ મૅનેજમેન્ટનાં કડક વૈશ્વિક ધોરણો પર ખરા ઊતર્યા છે.
૨૦૨૬-’૨૭ની સીઝન માટે સમગ્ર ભારતના કુલ બાવીસ બીચને બ્લુ ફ્લૅગ માન્યતા મળી છે જેમાં ૧૩ બીચનું રિન્યુઅલ કરવામાં આવ્યું છે અને ૯ નવા બીચ ઉમેરાયા છે.
આ ત્રણ નવા પસંદ થયેલા કિનારાઓ માટે બ્લુ ફ્લૅગ સીઝન ૧૫ નવેમ્બરથી શરૂ થશે. આ માટેના સત્તાવાર ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લૅગ નેધરલૅન્ડ્સથી લાવવામાં આવી રહ્યા છે જે રાજ્યના પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગને સોંપવામાં આવશે.