આખરે લાડકી બહિણ યોજનાના લાભાર્થીઓની સરકારે શરૂ કરી સ્ક્રૂટિની

03 January, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાબતનો જે ગવર્નમેન્ટ રેઝોલ્યુએશન (GR) બહાર પાડવામાં આવ્યો હતો એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે

અદિતિ તટકરે

‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ યોજનાની લાભાર્થીઓને ચૂંટણીનાં પરિણામ બાદ ડિસેમ્બરનો હપ્તો આપી દેવામાં આવ્યો છે, પણ જેટલી મહિલાઓને આ હપ્તો મળ્યો છે એટલી જ મહિલાઓને જાન્યુઆરીનો હપ્તો મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગઈ કાલે મહિલા અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેએ સ્પષ્ટતા કરી હતી કે ‘અમને લાડકી બહિણ યોજનાની પાંચ પ્રકારની ફરિયાદો મળી છે. અત્યારે અમે એની તપાસ કરી રહ્યાં છીએ. અમુક ફરિયાદ સ્થાનિક પ્રશાસન તરફથી મળી છે, તો બાકીની બીજી લાભાર્થી મહિલાઓએ જ મોકલી છે. અમે જે ફરિયાદ મળી છે એ અરજીઓનું વેરિફિકેશન કરવાનાં છીએ. જોકે આ બાબતનો જે ગવર્નમેન્ટ રેઝોલ્યુએશન (GR) બહાર પાડવામાં આવ્યો હતો એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.’

કોની-કોની કરવામાં આવશે સ્ક્રૂટિની?

કુટુંબની આવક અઢી લાખ રૂપિયા કરતાં વધારે હોવા છતાં આ યોજનાનો લાભ લેનારી મહિલાઓની અરજીની.
ફોર-વ્હીલર ધરાવનાર મહિલાઓની અરજીની.
બે ઍપ્લિકેશન કરનાર મહિલાઓની અરજીની.
લગ્ન કરીને મહારાષ્ટ્ર છોડીને બીજા રાજ્યમાં ગયેલી મહિલાઓની અરજીની.
આધાર કાર્ડ અને ઍપ્લિકેશનમાં આપવામાં આવેલાં નામ-ઍડ્રેસમાં ફરક હશે એવી મહિલાની અરજીની.

mumbai news mumbai devendra fadnavis maharashtra news maharashtra