26 February, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનમાં આવતા આશિષ શેલાર.
મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓના ડિયરનેસ અલાવન્સ (DA)માં ૨૦૨૫ના જુલાઈ મહિનાથી ૩ ટકાનો વધારો કરીને ૫૮ ટકા કરવામાં આવશે. રાજ્યકક્ષાના નાણાપ્રધાન આશિષ જાયસવાલે બુધવારે વિધાનસભામાં આ વિશે જાહેરાત કરી હતી. નવા નિયમ મુજબ આ મહિનાથી DAની ચુકવણી રોકડમાં કરવામાં આવશે. ૨૦૨૫ના જુલાઈથી ઑક્ટોબર સુધીના સમયગાળા માટે બાકી રકમ માર્ચમાં ગુઢીપાડવાના પ્રસંગે આપવામાં આવશે. બાકીની રકમ ત્યાર બાદ બીજા તબક્કમાં આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લગભગ ૫.૧૬ લાખ કર્મચારીઓ અને મહારાષ્ટ્રના લગભગ ૮.૭૨ લાખ પેન્શનરોને પણ ફાયદો થશે.
બાળકોમાં ડિજિટલ ઍડિક્શન અને એની પ્રતિકૂળ અસરો અંગે વધતી ચિંતાઓ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દાનો અભ્યાસ કરવા અને પગલાં લેવાની ભલામણ કરવા માટે એક નિષ્ણાત ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ડિપાર્ટમેન્ટના પ્રધાન આશિષ શેલારે બુધવારે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાનાં બન્ને ગૃહોના સભ્યોનો સમાવેશ કરતી આ ટાસ્ક ફોર્સ વિધાનસભાના આગામી સત્ર પહેલાં પોતાનો અહેવાલ રજૂ કરશે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં લગભગ ૪ કરોડ બાળકો છે, જેમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં લગભગ ૩ કરોડ બાળકોનો સમાવેશ થાય છે.
એક અભ્યાસ ટાંકતાં આશિષ શેલારે કહ્યું હતું કે ‘વિશ્વમાં ગેમિંગબજારનું મૂલ્ય ૨૦૦ બિલ્યન US ડૉલર કરતાં વધુ છે અને ભારત મોબાઇલ ગેમના ડાઉનલોડ્સમાં પ્રથમ ક્રમે છે. આશરે ૪૦ ટકા બાળકો મધ્યમથી ગંભીર ગેમિંગ ઍડિક્શન ધરાવે છે. તેથી ઉપાય તરીકે ગેમિંગ પ્લૅટફૉર્મ માટે ફરજિયાતપણે ઇલેક્ટ્રૉનિક નો યૉર કસ્ટમર (e-KYC), ટીનેજર માટે ફરજિયાત ટાઇમ-આઉટ ફૅસિલિટી, જુગાર જેવા દેખાતા લૂંટ-બૉક્સ પર નિયમન પણ વિચારણા હેઠળ છે. સરકારી સ્કૂલોમાં સ્ક્રીન-ફ્રી શનિવાર પહેલ શરૂ કરવાની પણ વિચારણા.
વાઘના મૃત્યુ પર વિધાનસભામાં પ્રશ્ન ઊઠતાં રાજ્યના વનપ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે ‘૨૦૨૫માં રાજ્યમાં કુલ ૪૧ વાઘનાં મૃત્યુ થયાં હતાં. એમાંથી મોટા ભાગના વાઘ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. ૨૮ કુદરતી કારણોસર, ૮ અકસ્માતોને કારણે, ૪ વીજળી પડવાથી અને એક વાઘ શિકારને કારણે મૃત્યુ પામ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. ૨૦૧૧થી ૨૦૨૫ દરમ્યાન રેલવેમાર્ગ પર પાંચ વાઘે પોતાના જીવ ગુમાવ્યા હતા. રેલવે-અકસ્માતથી વાઘ અને અન્ય પ્રાણીઓને બચાવવા નવી પ્રસ્તાવિત રેલવેલાઇનો પર અન્ડરપાસ અને ઓવરપાસ બનાવવામાં આવશે. સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતી ટ્રેનો માટે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડલિમિટ અને પ્રાણીઓ પાટા તરફ જવા ન લલચાય એ માટે પાટા પર કે આસપાસ ખોરાકનો કચરો ન નાખવા જેવાં પગલાં લેવામાં આવશે.
કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે બુધવારે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં સવાલ કર્યો હતો કે દેશમાં તનાવની સ્થતિ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાત કેમ લઈ રહ્યા છે? મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન ભારે દબાણ હેઠળ છે, કારણ કે તેમણે પહેલાં એકતરફી ભારત-અમેરિકા વેપાર કરારને મંજૂરી આપી હતી અને ભારત પણ US પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયું હતું. ૯ વર્ષમાં તેમની બીજી વખત ઇઝરાયલની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે બે દિવસ પહેલાં જ ભારતે એના તમામ નાગરિકોને કોઈ પણ રીતે ઈરાન છોડવા કહ્યું હતું અને એવી કઈ ઇમર્જન્સી છે કે તેમને ઇઝરાયલ જવું પડે છે?
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જયંત પાટીલે બુધવારે મહારાષ્ટ્ર સરકાર પર ખેડૂતો, નોકરીઓ અને માળખાગત સુવિધાઓ સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતું અને કહ્યું હતું કે મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ વિકાસનો ભ્રમ ઊભો કરવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે મીરા-ભાઈંદરના ડિઝાઇનિંગ ખામીવાળા ફ્લાયઓવર માટે પણ પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. ખાસ આશિષ શેલારને ઉદ્દેશીને તેમણે કટાક્ષ કર્યો હતો કે ‘આ બ્રિજની અદ્ભુત ડિઝાઇનની તો શું વાત કરવી. લાગે છે કે એન્જિનિયરે ગલગોટિયા યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી હશે.’ આ ઉપરાંત ખાસ કરીને દાવોસ સમિટમાં હસ્તાક્ષર કરાયેલા કરાર સાથે જોડાયેલા દાવાઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને વાસ્તવિક રોજગાર અંગે વિગતવાર ડેટા માગ્યો હતો.